________________
કેવળી પ્રભુનો સાથ
આ કડીમાંથી ગુપ્ત ધ્વનિ આપણને એ મળે છે કે જેમ જેમ અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોને આજ્ઞાધીન થતા જાય છે, તેમ તેમ તે પ્રદેશોને કેવળીગમ્ય પ્રદેશો પાસેથી આશ્ચર્ય ઉપજાવે તેવાં ઘણાં ઘણાં ભેદરહસ્યો ચમત્કારિક રીતે મળતાં જાય છે; અને એ ભેદરહસ્યોનો યથાર્થ ઉપયોગ કરી અશુધ્ધ પ્રદેશો પોતાની શુધ્ધતા વધારતા જાય છે; અને છેવટમાં આનંદઘનનું પદ - મોક્ષપદ મેળવે છે. સાથે સાથે આપણી સમજણને સ્પષ્ટતા આવે છે કે મોહનો નાશ શરૂ કરવા સાથે જીવે પોતાનાં જ્ઞાનનાં આવરણો દૂર કરવાનો, તેને હઠાવવાનો પ્રયત્ન કરતા રહેવો એ પણ એટલું જ જરૂરી છે. જ્ઞાનનાં આવરણો જો હળવા ન થાય તો સાચી સમજણ અને સમાધાનના અભાવના કારણે જીવ સાચો પુરુષાર્થ કરી કર્મકટિ કરવા સમર્થ થઈ શકતો નથી. દ્રવ્યથી કે બાહ્યથી જીવ શ્રી સદ્ગુરુ પાસેથી સાચી સમજણ અને જ્ઞાન મેળવે છે તો અંતરંગથી કે ભાવથી જીવનાં અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશો પાસેથી સાચું અને યોગ્ય અનુભવમૂલક માર્ગદર્શન મેળવે છે; જેનો આધાર લઈ એ અશુધ્ધ પ્રદેશો પોતાની શુદ્ધિ વધારી શકે છે. આમ મોહનો નાશ કરવા માટે જ્ઞાનાવરણનો નાશ કરવો કેટલો ઉપકારી છે, તે આ સ્તવનમાં સમજાવ્યું છે.
આ ઉપરાંત, શ્રી પ્રભુમાં જોવા મળતા વિવિધ વિરોધાભાસી ગુણો, સ્યાદવાદ શૈલીને અનુસરવાથી કેવી રીતે એકતા સાધે છે તે સમજણને વિચારવાથી આપણને ખ્યાલ આવે છે કે વિરોધાભાસી ગુણો ધર્મનાં મંગલપણાની પ્રતીતિ જીવને કરાવે છે, અને તે જ ગુણો સ્યાદવાદશૈલીથી વિરોધ ટાળી ધર્મનાં સનાતનપણાને સ્થાપે છે. બીજી રીતે કહીએ તો એકાંત દૃષ્ટિ માત્ર મંગલપણાને વ્યક્ત કરે છે, ત્યારે અનેકાંતદષ્ટિ તેની સાથે સનાતનપણાને પણ સ્થાપે છે.
અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે, વસ્તુગતે તે વસ્તુ પ્રકાશે, આનંદઘનમત વાસી રે. શ્રી શ્રેયાંસ (૧૧)
૨૦૮