________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
મિથ્યાત્વ દબાતાં જીવની સાચી દૃષ્ટિ ખીલતી જાય છે, તેથી તેના પ્રભુ માટેના અહોભાવ તથા પૂજ્યભાવ, તેમનાં ગુણોનું આકર્ષણ વધતાં, વધતા જાય છે. ભગવાન પ્રતિ અહોભાવ વધવાના કારણે જીવ ચાર પ્રકારે તેમની પૂજા કરતો થાય છે. એ ચારે પ્રકારની પૂજાની વિધિ શ્રી આનંદઘનજી મહારાજ નવમા સુવિધિનાથ પ્રભુનાં જીવનમાં વર્ણવે છે. પ્રભુનાં અંગ પર કેસર, ચંદન, અક્ષત જેવાં દ્રવ્યો ચડાવીને અંગપૂજા કરે છે, પ્રભુનાં અંગ સમીપ ફૂલ, ફળ, ધૂપ, દીપ, નૈવેદ્ય, જળ આદિ અપને અગપૂજા કરે છે, અને ચૈત્યવંદન, ચતુર્વિશતી સ્તવન આદિ દ્વારા ભાવપૂજા પણ કરે છે. આ ત્રણ જાતની પૂજા જીવ છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી કરતો રહે છે. અને તેનાથી આગળ વધે ત્યારે પ્રભુની આજ્ઞાનું યથાર્થ પાલન કરવા રૂપ તે ચોથી પ્રતિપત્તિ નામની પૂજા પણ કરે છે. આ પૂજા જીવને મુખ્યતાએ અગ્યારમા, બારમા અને તેરમા ગુણસ્થાને વર્તે છે. આ ચારે પ્રકારની પૂજા કેવળજ્ઞાનને ભોગવનારા એવા સર્વજ્ઞપ્રભુએ ઉત્તરાધ્યયન સૂત્રમાં બતાવી છે, એમ શ્રી આનંદઘનજી મહારાજ આ સ્તવનમાં સ્પષ્ટ
કરે છે.
આ ચારે પ્રકારની પૂજાના ઘણા પેટાભેદો છે. તે બધાને સાંભળીને તથા સમજીને જે પોતાની કરણી, વર્તના શુભ કરે છે, તે ભવ્યજીવ આનંદઘનપદ - મોક્ષની ધરતી લઈ શકે છે, લે છે, પામે છે, એમ તેઓ આ સ્તવનની અંતિમ કડીમાં જણાવે છે. સ્થૂળતાથી પૂજાનું વર્ણન કરવા દ્વારા આનંદઘનજી મહારાજે આ નવમા સ્તવનમાં આગળ વિકાસ કરવા માટે જીવના અશુધ્ધ પ્રદેશોએ કેવળીગમ્ય પ્રદેશો પ્રતિનું વલણ કેવું રાખવું જોઈએ તે ગુપ્તપણે અને સૂક્ષ્મતાથી બતાવ્યું છે.
આપણે જાણીએ છીએ કે આઠ રચક પ્રદેશોની બાજુના આઠ અશુધ્ધ પ્રદેશો સમય પાકતાં કેવળીગમ્ય પ્રદેશપણું પામી કેવળ પ્રભુના પ્રદેશો સમાન શુધ્ધ થાય છે. અને તે કેવળીગમ્ય પ્રદેશો તેની આજુબાજુના પ્રદેશોને પ્રેરણા આપી શુધ્ધ કરતા જાય છે. આ અશુધ્ધ પ્રદેશો પહેલા કેવળીગમ્ય પ્રદેશોના શાંતિ,
૨૦૫