________________
કેવળી પ્રભુનો સાથ
સમ્યકજ્ઞાન તથા સમ્યક્દર્શન પ્રગટ થવાથી જીવનાં મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાય અનુદિત રહી, સત્તાગત થઈ જાય છે. આ કષાયોના અનુદયને કારણે જીવની સાચી દષ્ટિ ખીલવા લાગે છે, એટલું જ નહિ પણ, પ્રભુનાં દર્શન કરવાથી જે શાંતિનું વદન થાય છે, તે શાંતિ અનુભવાતાં આવાં દર્શન વારંવાર કરવાની જિજ્ઞાસા જીવમાં જાગે છે. પરિણામે તેના અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની આગેવાની સ્વીકારી તેને અનુસરવા તૈયાર થતા જાય છે. કેવળીગમ્ય પ્રદેશો અગ્રેસર બની અશુધ્ધ પ્રદેશોને શુધ્ધ થવા સતત પ્રેરણા આપતા રહે છે, તે પ્રેરણાથી અશુધ્ધ પ્રદેશો પોતાને વર્તતા મોહનો વિશેષ વિશેષ ક્ષય કરતા જાય છે, અને જેનો નાશ ન થઈ શકે તેને દબાવતા જાય છે. આમ કેવળીગમ્ય પ્રદેશો અશુધ્ધ પ્રદેશોને માટે આનંદનો ભંડાર આપનાર કલ્પવૃક્ષ સમાન સાબિત થાય છે. આ સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજે ગુપ્ત રીતે, છતાં સ્પષ્ટપણે સમજાવ્યું છે કે કેવળીગમ્ય પ્રદેશો અશુધ્ધ પ્રદેશોનાં જ્ઞાન તથા દર્શન વિશુદ્ધ કરવામાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે. આત્મ પ્રદેશોની વિશુદ્ધિ વધવાથી તેનામાં કેવળીગમ્ય પ્રદેશો માટેનો અહોભાવ અને આદરભાવ પણ વધતા જાય છે.
અહીં છેલ્લી કડીમાં આનંદઘનજી મહારાજ જણાવે છે કે પ્રભુનાં ચરણો કલ્પવૃક્ષ સમાન સદાય ભક્તની ઇચ્છા પૂરી કરનાર છે, આમ જણાવી તેઓ ધર્મનાં સનાતનપણાને પ્રગટ કરે છે. સાથે સાથે જે મોહ જીવને અનાદિકાળથી કર્મની કેદમાં રાખી સંસારમાં ભમાવ્યા કરે છે, તે મોહના નાશની ઇચ્છા કરવામાં આવે તો તે ઇચ્છા પણ પ્રભુનાં ચરણ પૂરી કરે છે, એ હકીકત ધર્મનાં મંગલપણાના વ્યાપને પ્રકાશિત કરે છે.
ઈમ પૂજા બહુ ભેદ સુણીને સુખદાયક શુભ કરણી રે, ભાવિક જીવ કરશે, તે લહેશે આનંદઘન પદ ધરણી રે. સુવિધિ (૯)
૨૦૪