________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
શ્રી પ્રભુ શિવ, શંકર, જગન્નાથ આદિ અનેક નામોથી ઓળખાય છે, અને તેમનાં પ્રત્યેક નામમાંથી તેમનો કોઈ ને કોઈ ગુણ જાણવામાં આવે છે. આ નામોના સવિસ્તાર અર્થ જાણવાથી જીવને ધર્મનાં વ્યાપકપણાની તથા મંગલપણાની પ્રતીતિ થવા લાગે છે. જ્યારે તે જીવ સમગ્ર નામોના અર્થનો નિચોડ અનુભવથી પ્રાપ્ત કરે છે, ત્યારે તેને ધર્મનાં સનાતનપણાની અનુભૂતિ રહેવા લાગે છે, અને જીવ તેની મદદથી આનંદઘન સ્વરૂપ અર્થાત્ પ્રભુસ્વરૂપ બને છે.
પ્રેરક અવસ૨ જિનવરુ, સખી. મોહનીય ક્ષય જાય, સખી
કામિત પૂરણ સુરતરુ સખી,
આનંદઘન પ્રભુ પાય, સખી. ચંદ્ર (૮)
સમ્યક્શાન થવાની સાથે જ જીવને સમ્યગ્દર્શન થાય છે, અને ત્યારે તેને મુખ્યત્વે પ્રભુનાં આત્મદર્શન થતાં હોય છે. આ પ્રભુનાં દર્શન એવાં નિર્મળ, શાતાકારી અને નયનરમ્ય હોય છે કે અન્ય કોઈ જગ્યાએ એ વખતે જીવની દૃષ્ટિ સ્થિર થતી નથી. તેનામાં એવા ભાવ એ વખતે રમતા હોય છે કે એકેંદ્રિયથી શરૂ કરી અસંજ્ઞી પંચેન્દ્રિય દશામાં તો પ્રભુનાં દર્શન કરવાનો કોઈ જ અવકાશ હોતો નથી, કેમકે મન વિના જીવમાં પ્રભુને ઓળખવાની શક્તિ રહેતી નથી. વળી, દેવ, તિર્યંચ, અનાર્ય મનુષ્ય વચ્ચેના વાસમાં, અપર્યાપ્ત અવસ્થામાં પણ પ્રભુનાં દર્શન થવાં દુર્લભ દુર્લભ છે. આમ જિનપ્રભુનાં દર્શન વિના જીવને પસાર થવું પડયું છે, તો હવે પ્રભુની સેવા કરી દર્શનનો લાભ લીધા કરવો છે એવી ભાવના શ્રી આનંદઘનજી મહારાજે આઠમા શ્રી ચંદ્રપ્રભુનાં સ્તવનમાં ભાવી છે. સાથે સાથે દર્શન કરવાની ઉત્કટ તાલાવેલી પ્રગટ કરી, છેલ્લી કડીમાં તેઓ જણાવે છે કે આનંદના ભંડારરૂપ શ્રી જિનેશ્વર પ્રભુ જીવને આગળ વધવામાં ખરા અવસરે પ્રેરણા આપનારા બને છે; તેનાથી જીવના મોહનો નાશ થવા લાગે છે. આવા જિનેશ્વર પ્રભુનાં ચરણ કામિતપૂરણ ઇચ્છા પૂરી કરનાર દૈવી કલ્પવૃક્ષ સમાન છે, અને આનંદના ભંડારરૂપ છે.
—
૨૦૩