________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
લે છે; આમ તેની પ્રભુનાં તથા સપુરુષનાં દર્શન કરવાની ઝંખના સહેલાઈથી પૂરી થાય છે. આવા આપ્તપુરુષની સહાયથી પોતે જાણપણા સાથે આત્મસ્વરૂપને અનુભવે ત્યાં સુધીનો વિકાસ કરી શકે છે. જ્યારે જ્યારે તે જીવને શ્રી પ્રભુ તથા શ્રી સત્પરુષનો પ્રત્યક્ષ યોગ થાય ત્યારે ત્યારે તેમની સહાયથી તેની દેહાત્માની ભિન્નતા અનુભવવાનો સમય વધતો જાય છે. શ્રી પ્રભુ કે સત્પરુષના ઉત્તમ યોગમાં તે જીવના કેવળીગમ્ય પ્રદેશોને ખૂબ વીર્ય મળે છે, અને તે વીર્ય તે અશુધ્ધ પ્રદેશોને ફાળવી શુધ્ધ થવાની અત્યંત ઉપકારી પ્રેરણા આપી શકે છે, અશુધ્ધ પ્રદેશો એ મળેલા વીર્યનો લાભ લઈ પોતાની દેહાસક્તિ ઘટાડી શુદ્ધિ વધારે છે, અને એ જીવ પહેલા કરતા વિશેષ કાળ માટે દેહથી અલિપ્ત બની શકે છે. આ રીતે વિકાસ કરી જીવ પાંચ મિનિટ સુધી દેહથી અલિપ્ત રહી શકવાની સિદ્ધિ મેળવી શકે છે. પાંચ મિનિટની શૂન્યતા સુધી પહોંચે ત્યારે તે જીવને ઉપશમ સમકિત થયું કહેવાય છે, અને તેનું ઘણું મહત્ત્વ છે. પાંચ મિનિટની શૂન્યતા સુધી પહોંચવા માટે જીવને આપ્તપુરુષના પ્રત્યક્ષ સાથની જરૂર પડે છે, પણ ઉપશમ સમકિત થયા પછી જીવ આપ્તપુરુષના પરોક્ષ સાથથી પણ વિકાસ સાધી શકે તેવો સમર્થ થઈ જાય છે. આ ગૂઢ રહસ્યને શ્રી આનંદઘનજી મહારાજે ઉપરની કડીમાં ખૂબીથી ગૂંથી લીધેલું જોવા મળે છે. પાંચ મિનિટે પહોંચ્યા પછી શ્રી પ્રભુ સાધકના હૃદયમાં બિરાજી જાય છે એમ ગણીએ તો પ્રભુની કૃપાથી તેમનાં દર્શન કેટલાં સુલભ છે તેનું રહસ્ય સમજાઈ જાય.
પ્રભુની ભાવથી સેવા કરવાનો અભિલાષ પૂર્ણ થાય છે તેને પ્રભુનાં દર્શનની ઇચ્છા પણ પૂરી થાય છે. પ્રભુનાં દર્શન કરવાથી તે જીવને જીવન કે મૃત્યુનો ત્રાસ લાગતો નથી; આ અનુભૂતિમાં ધર્મનાં મંગલપણાનો તથા સનાતનપણાનો સમાવેશ થઈ જાય છે, કેમકે પ્રભુનાં દર્શન કરવાં અતિ અતિ દુર્લભ હોવા છતાં તેમની જ કૃપાથી તે દર્શન સાવ સુલભ થઈ જાય છે. દર્શનની દુર્લભતામાં ધર્મનું સનાતનપણું વ્યક્ત થાય છે, અને કૃપાથી થતી દર્શનની સુલભતામાં ધર્મનું મંગલપણું અભિવ્યક્તિ પામે છે.
૧૯૭