________________
કેવળી પ્રભુનો સાથ
શ્રી અરિહંત પ્રભુની કેવળી પર્યાયમાં વર્તતો પુરુષાર્થ જોઈ તેમની સિદ્ધિ માટે વિચારણા ચાલ્યા કરે છે. આ જ તીર્થંકર પ્રભુ થકી જીવને શિવ બનવા માટે વરદાનરૂપે આઠ કેવળીગમ્ય પ્રદેશો લભ્ય થાય છે. શ્રી અરિહંત પ્રભુ પોતાની પૂર્ણાતિપૂર્ણ અરિહંત વીતરાગની અવસ્થા પ્રાપ્ત કરે છે તે પછીથી જીવને તેમના થકી આ કેવળીગમ્ય પ્રદેશોની ઉપલબ્ધિ થાય છે તેથી સહેજે જ એ પ્રદેશોમાં અરિહંત વીતરાગતાની પ્રભુ જેટલી જ તીક્ષ્ણતા તથા પૂર્ણતા સમાયેલી હોય, તે સમજાય તેવી બાબત છે. આ કેવળીગમ્ય પ્રદેશો જીવનાં અંતરમાં કઈ પ્રક્રિયા કરે છે તેની વિચારણા તથા મનોમંથન શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી કરીએ.
કેવળીગમ્ય પ્રદેશો શ્રી તીર્થંકર પ્રભુની જેમ જ એકીસાથે વીતરાગતા તથા પ્રેમની ભૂમિકાને ઉત્કૃષ્ટપણે ભજે છે તથા વેદે છે. ઉપરાંતમાં કેવળીગમ્ય પ્રદેશો આ અપૂર્વ પુરુષાર્થ દ્વારા રુચક પ્રદેશોની અવસ્થાને અન્ય સર્વ પ્રદેશોને ભણાવી એ રૂપ બનાવે છે. તે કઈ રીતે થાય છે તે વિચારીએ.
શ્રી તીર્થંકર પ્રભુને કેવળજ્ઞાન તથા કેવળદર્શન પહેલાં પ્રગટે છે અને તે પછીથી તેમણે બાંધેલું તીર્થંકર નામકર્મ ઉદયમાં આવે છે. એ જ પ્રકારે તેમને પ્રથમ વીતરાગતા પ્રગટે છે અને પછી પ્રેમની ભાવના ઉદયમાં આવે છે. આ ક્રમ અનુસાર કેવળીગમ્ય પ્રદેશોમાં વીતરાગતાના થર ઉપર પ્રેમની ભૂમિકા પૂર્ણતાએ રહેલી હોય છે. કેવળીગમ્ય પ્રદેશોની વીતરાગતા સ્થૂળરૂપે તથા સ્થૂળસૂક્ષ્મરૂપે સિદ્ધ ભગવાન જેવી છે. આ જ માધ્યમ દ્વારા કેવળીગમ્ય પ્રદેશો રુચક પ્રદેશો પાસેથી સિદ્ધરૂપ આજ્ઞાનો બોધ વીતરાગ માર્ગથી ખેંચે છે. એ બોધને પોતામાં અવધારી તેમાં પોતે ઘૂંટેલા તથા પંચપરમેષ્ટિના આજ્ઞારસના પરમાણુને રૂપ બનાવી પ્રેમમાર્ગથી અન્ય અશુદ્ધ પ્રદેશોને નાદ દ્વારા દાન આપે છે. પ્રભુની દેશનામાં જેમ અનેક જીવો પોતપોતાની કક્ષા અનુસાર નાદમાંથી ધર્મનો બોધ ગ્રહણ કરી સર્વોત્કૃષ્ટ શુદ્ધિ તથા સર્વોત્કૃષ્ટ સિદ્ધિના
૧૮૮