________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
“હે પ્રભુ! તમારો આ પુરુષાર્થ અમને ખૂબ જ પ્રિય છે. તમે જે પુરુષાર્થ પામ્યા છો, તેને પામીને અમારે જગતનાં કલ્યાણાર્થે લુંટાવી દેવો છે. એટલું જ નહિ પણ, જેઓ આ કલ્યાણ પામવા પુરુષાર્થી થયા નથી, તેમને પણ તેની પ્રાપ્તિ થાય તથા સિદ્ધિ મળે એવી લાગણીભરી પ્રાર્થના શ્રી પંચપરમેષ્ટિ પ્રભુને કરી, માર્ગની પૂર્ણતાને અમારે પ્રસિદ્ધ કરવી છે. અમારી અપૂર્ણતાથી એ પૂર્ણતાને લજાવા દેવી નથી. પરમ કલ્યાણમય પરમાર્થ લોભના અપૂર્વ વેદનને માટે તમે સ્વાર્થમયી વેદનનો જે ત્યાગ કરો છો, તે પરકલ્યાણની લાગણીને સમયે સમયે, ત્રણે કાળે, ત્રણે યોગથી વારંવાર વંદન કરીએ છીએ. આ સર્વ ભાવનામાં એક પણ સરાગી ભૂમિકાને ન ભજવાનો તમારો અદ્વિતીય અનુપમ પુરુષાર્થ શબ્દાતીત આશ્ચર્ય તથા અહોભાવનું અમને વેદન કરાવે છે. જ્યાં કલ્યાણ કરવાની ભાવના છે ત્યાં કર્તાપણાના ભાવ સામાન્યપણે રહેલા હોય છે, એવો નિયમ આ જગતમાં જોવા મળે છે. પરંતુ તમે એ જ નિયમના નિયમિતપણે અપવાદ બની શ્રી સિદ્ધપ્રભુને તમારા ઋણી બનાવી, એકધારા વેગથી એ જ સમયે એમની પૂર્ણાતિપૂર્ણ આજ્ઞામાં રહી તમારા સ્વકલ્યાણના પુરુષાર્થને જાળવી રાખો છો. આવા સ્વકલ્યાણને યથાર્થ રીતે જાળવવાના અપૂર્વ પુરુષાર્થને શ્રી પ્રભુ ‘અરિહંતની વીતરાગતા' તરીકે ઓળખાવે છે. શ્રી અરિહંતપ્રભુને અરિહંતની વીતરાગતા કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટયા પછી નિયમપૂર્વક આવે છે, અને વિરલા ભાવિ તીર્થકર તથા અતિ અતિ વિરલા છમસ્થ ગણધરને અપવાદરૂપે છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાને અપેક્ષાથી સ્થૂળરૂપે પ્રાપ્ત થાય છે. આવી અરિહંત વીતરાગતા મળવાથી અંતરમાં શું પ્રક્રિયા થાય છે તેની સમજણ તથા બોધ શ્રી પંચપરમેષ્ટિ પ્રભુના નેતા શ્રી અરિહંતપ્રભુ પાસેથી દાનરૂપે મળે છે.”
આવું દાન મેળવવા માટે પૂર્ણ વીતરાગજ્ઞાન તથા દર્શનને પ્રેમરૂપી પૂર્ણ આજ્ઞામાં પરિણમાવનાર શ્રી અરિહંતપ્રભુ તથા તે માધ્યમને યથાર્થ સિદ્ધિ આપનાર પૂર્ણ પંચપરમેષ્ટિ પ્રભુને વારંવાર પૂર્ણ વિનય તથા આજ્ઞામાં રહેવાની ભાવના સાથે શુકુલબંધની શુદ્ધતામાં રમણતા કરી વંદના તથા નમસ્કાર કરીએ છીએ.”
૧૮૭