________________
કેવળી પ્રભુનો સાથ
શ્રી પ્રભુના દૈનાદમાં ગજા બહારનું દેખાતું આ કાર્ય સહજમાર્ગે સફળ થતું દેખાતાં આભારનાં આસું સરી પડયાં. અને સ્વાભાવિક રીતે શબ્દો હુર્યો, “જે આજ્ઞાથી તથા જે વાટેથી શ્રી કેવળીગમ્ય પ્રદેશો કેવળીગમ્યપણું પામ્યા એ જ આજ્ઞાથી અને એ જ વાટેથી સર્વ પ્રદેશો કેવળીપણું પામે એ જ ઈચ્છા અને આકાંક્ષા સાથે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુના દાસ બની, એમની કૃપા અને આજ્ઞાથી એમની સનાતન સર્વોત્કૃષ્ટ મંગલમય ધર્મરૂપી આજ્ઞાને આરાધવી છે. હે પ્રભુ! અતિ નિર્ભયપણું ઉપજાવે એવી ‘દાસાનુદાસ થવાની આજ્ઞા અમને દાનમાં આપો.” - શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી એમણે આપેલો ઉત્તર અહીં ઊતારવા પ્રયત્ન કર્યો છે. કેવળીગમ્ય પ્રદેશો જીવને શ્રી તીર્થંકર પ્રભુ દ્વારા પ્રાપ્ત થાય છે. શ્રી તીર્થંકર પ્રભુ આ સિદ્ધિ જીવને આઠ સમયના મિથ્યાત્વના ઉદયને ટાળ્યા પહેલા આપતા નથી. આ આઠ સમયનો ગાળો હોવા પાછળ એક અતિ ગૂઢ તથા ગંભીર ભેદરહસ્ય રહેલું છે.
શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા ઘાતી કર્મોથી નિવૃત્ત થયો હોવાથી કેવળજ્ઞાન તથા કેવળદર્શનથી વિભૂષિત છે, તેમ છતાં પોતાના પુરુષાર્થ અનુસાર તેઓ બેથી સાત સમયના અંતરે યોગ સાથે જોડાય છે. જ્યારે શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા કોઈ જીવને આઠ કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ કરાવવાનો હોય છે ત્યારે શ્રી તીર્થંકર પ્રભુના કેવળીગમ્ય પ્રદેશો એ જીવના આત્મપ્રદેશોને સ્પર્શે છે,અને આઠ સમય સુધી એ સ્પર્શ ચાલુ રહે છે, અર્થાત્ એ પ્રદેશો જીવના આત્મામાં સ્થાન પામે છે. આઠ સમયના ગ્રંથિભેદને અંતે એક સમયમાં આઠ કેવળીગમ્ય પ્રદેશો તથા અન્ય આઠ પૂર્ણ પ્રદેશો એ જીવના આઠ પ્રદેશો પરથી ઘાતકર્મનો વિહાર કરાવી અને તેનાથી મુક્ત કરે છે, સાથે સાથે અશુભ અઘાતી કર્મના પાશથી પણ તેને છોડાવે છે. આ ઉત્તરને યથાર્થતાએ સમજવા માટે આઠ કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ વખતની પ્રક્રિયા થોડા વિસ્તારથી સમજવી જરૂરી બને છે.
૧૮૦