________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
આ રીતે કેવળીગમ્ય પ્રદેશો તથા રુચક પ્રદેશોના સાથથી તથા સંગમથી જીવને શુભ નિમિત્ત મળે છે, અને તેનો સદુપયોગ થાય છે ત્યારે એ અશુધ્ધ પ્રદેશોની અશુદ્ધિ નીકળતી જાય છે. એમ થવાથી જીવની સ્વતંત્રતા ઉપર ક્યાંય કાપ મૂકાતો નથી, પણ જીવને તેનાથી શુભ નિમિત્ત મળે છે અને શુભ કાર્યની સફળતા વધારવા માટેના સંજોગો ઊભા થાય છે. જીવ જ્યારે અવળો ચાલે છે ત્યારે એ રુચક પ્રદેશો તથા કેવળીગમ્ય પ્રદેશો પોતાની સત્તા અશુધ્ધ પ્રદેશો પર ચલાવતા નથી, પણ તેઓ વીતરાગતાના તાણેવાણે ચડતા ક્રમમાં સ્થિર થઈ જાય છે. જીવ જ્યારે સવળો ચાલે છે ત્યારે કેવી રીતે સફળતાની પ્રક્રિયા થાય છે તે પંચપરમેષ્ટિ પ્રભુની કૃપાથી સમજતાં પહેલાં એ સમજવું જરૂરી લાગ્યું છે કે કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ જીવ આઠ સમય સુધીની દેહાત્માની ભિન્નતાના અનુભવ પછી જ કેમ પ્રભુકૃપાથી પ્રાપ્ત કરી શકે છે? તે પહેલાં કેવળીગમ્ય પ્રદેશો શા કારણથી પ્રાપ્ત થઈ શકતા નથી? આ આઠ સમયનો ગાળો રાખવામાં શ્રી પ્રભુનો ક્યો ગૂઢ સંકેત કે હેતુ રહેલો છે?
શ્રી પ્રભુને સાષ્ટાંગ વંદન કરી, તેમનાં ચરણમાં માથું મૂકી પ્રાર્થના કરતાં કરતાં સહજતાએ આનો ઉત્તર પ્રાપ્ત થયો છે. પ્રાર્થના આ પ્રકારે હતી, “હે પરમ પિતા! હે જગતના નાથ! હે વીતરાગતાની પૂર્ણતાના વેદક! અહો! કેવળજ્ઞાન તથા કેવળદર્શનને અતૂટરૂપે માણનાર પરમાત્મા! છકાય જીવના પરમ રક્ષક, સદ્ધર્મના દાતા, સુખ અનુભવનાર તથા સુખ આપનાર, તેજસ્વી, અડોલ તથા અકંપ પ્રભુ! તમારા અંતરમાં જે અનુભવ સત્યરૂપે નીતરે છે તેને પરમ કરુણા કરી આ બાળકના શિર પર ધરાવો. એ શિર પર આજ્ઞાના અતૂટ તથા કદી અફળ ન થનાર એવા સનાતન સફળ માર્ગથી એ અનુભવને સંજ્ઞામાં યોગ્ય આકાર આપી, તમારા જ પંચપરમેષ્ટિ કલ્યાણનાં પરમાણુ દ્વારા શબ્દદેહથી એને લખાણમાં વ્યક્ત કરાવો કે જેથી મારી અપૂર્ણતાની અધુરપ તમારા આ અલૌકિક અનુભવના પ્રગટીકરણને મંદ કરી શકે નહિ.”
૧૭૯