________________
પ્રાકથન
ફળ છે, એ અનુભવ અલૌકિક હતો. આ દિવસ પણ સ્મરણ, પ્રાર્થના તેમજ ક્ષમાપના કરવામાં પસાર કર્યો. ત્રીજા દિવસથી પેઈન કિલર લીધા પછી દુ:ખાવામાં થોડી રાહત અનુભવાતી હતી; એથી કસરત કરવામાં પણ મુશ્કેલીની માત્રા ઘટતી જતી હતી. આ રીતે હોસ્પિટલના પાંચ દિવસ મેં પસાર કર્યા. આ દિવસોમાં ચિ. સચીન તથા નેહલ મારી પાસે રોજ દોઢથી બે કલાક ભક્તિ કરતા હતા. જે દરમ્યાન શાંત થવું, ધ્યાનમાં જવું મારા માટે અતિ સુલભ થઈ ગયું હતું. અને પ્રાર્થના આદિના સાથથી અંતરાય કર્મ, મોહનીય કર્મ તથા અશાતા વેદનીય કર્મ નિર્જરાવવા ઘણા સહેલાં લાગતાં હતાં. તેમાં મને શ્રી પ્રભુના ખૂબ ખૂબ ઉપકાર તથા આશીર્વાદ વેદાતા હતા.
પાંચ દિવસ પછી હું ઘરે આવી. હાથનો દુઃખાવો ઘણો સખત લાગતો હતો. વળી રોજ કસરત કરવા તથા હાથનું ડ્રેસીંગ કરાવવા બોમ્બે હોસ્પિટલ જવાનું થતું હતું. તેમ કરવામાં મને બધાંનો ખૂબ સાથ મળતો હતો જેથી મનની શાંતિ જાળવવી ઘણી ઘણી સુલભ લાગતી હતી. પ્રાર્થના, ક્ષમાપના તથા સ્મરણ કરવામાં દિવસ અતિ સહજતાથી તથા સુલભતાથી પસાર થઈ જતો હતો. વળી, રોજ રાતના નવથી દશ ચિ. સચીન તથા નેહલ ઓફિસમાંથી આવ્યા પછી મારી પાસે નિયમિતપણે ભક્તિ કરતા હતા. આવી ભક્તિ તેમણે એકધારી પાંચ-છ મહિના કરી. ભાવથી થતી ભક્તિના પ્રભાવથી મારા મનની શાંતિ ખૂબ વધી જતી. અમુક સમય તો ધ્યાનની અનુભૂતિમાં જ પસાર થઈ જતો અને રાત્રિ પરમ શાંતિથી પસાર થઈ જતી હતી. એ કાળમાં હાથનો દુ:ખાવો ક્યાંય આડખિલી કરી શકતો ન હતો. બાર દિવસ પછી ખભાના ટાંકા ખોલ્યા, અને પછીથી હાથનું ડ્રેસીંગ ઘરે કરવાનું ડોકટરે જણાવ્યું. ચિ. અમી એ કરતી હતી. સાથે સાથે હાથ તો ચાલતો ન હતો એટલે નવડાવવું, કપડાં પહેરાવવાં, માથું ઓળવું, વગેરે કામ અમી ખૂબ પ્રેમથી કરતી હતી. જે સુવિધા મને ખૂબ શાતાકારી અનુભવાતી હતી.
xvii