________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ
“હે ભવ્ય આત્માઓ!' તમે જાણો છો કે જ્યારે આત્મા સમ્યક્દર્શનનો અનુભવ કરે છે ત્યારે આત્માના અનંતે ગુણોના અંશોનો અનુભવ કરે છે. એ અનુભવ ભલે પૂર્ણ આત્માની અપેક્ષાએ માત્ર અંશ જ છે, પણ ત્યાં એકે ય ગુણનો અભાવ નથી. આત્મા સર્વ ગુણોના અંશને સમ્યક્દર્શનમાં અનુભવે છે. વળી, તમને ખ્યાલ છે કે સમ્યક્દર્શનનાં સર્વ લક્ષણોને શ્રી અરિહંત પ્રભુએ પરંપરાથી ચૂળરૂપે મુખ્ય પાંચ લક્ષણોમાં સમાવ્યાં છે. એ છે શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. જો આ બે વિધાનને એક સાથે મૂકીએ તો તારણ નીકળે છે કે આત્માના આ અનંતે ગુણો પાંચ લક્ષણમાં આવી જાય છે - સમાઈ જાય છે. આ પાંચ લક્ષણોની જેટલી પવિત્રતા હોય તેટલી આત્માના ગુણોના અનુભવની પૂર્ણતા આવે છે. આ પાંચે લક્ષણો જીવના આત્મવિકાસનાં દરેક પગથિયે ચડતા ક્રમમાં અનુભવાય છે. નિત્યનિગોદમાં રુચક પ્રદેશની પ્રાપ્તિ કરવાની શરૂઆતથી સિદ્ધભૂમિમાં અનંતકાળ માટે સ્થિર થવાની ભૂમિકા સુધી આ લક્ષણો આત્મા ચડતા ક્રમમાં અનુભવે છે. આ પરથી આ લક્ષણોની અપૂર્વતા આપણને આશ્ચર્ય ઉપજાવે છે! નિત્યનિગોદમાં રહેલા સર્વથી નિકૃષ્ટ વીર્યવાળા આત્માથી શરૂ કરી પૂર્ણાતિપૂર્ણ વીર્યવાળા સિદ્ધ આત્મામાં આ પાંચે લક્ષણો પોતાનું સ્થાન જાળવી શકે છે. તે આપણને સમજાવે છે કે આ પાંચે લક્ષણો અવગાહના (આકાશાસ્તિકાય), ગતિ કરવાની શક્તિ (ધર્માસ્તિકાય), સ્થિતિ કરવાની શક્તિ (અધર્માસ્તિકાય) તથા કાળની પાબંધી વગર (કાળના બંધન વિના) કાર્યકારી થાય છે. આ લક્ષણો નથી પુદ્ગલ કે નથી એમાં સ્પર્શ, રસ, ગંધ, કે રૂપ કે સ્વર, છતાં એ લક્ષણો હીનવીર્ય જીવ સાથે પણ બોધદાન દ્વારા વાર્તાલાપ કરી શકે છે. આ લક્ષણો પુદ્ગલમાં કોઈ કાળે પ્રગટ થતાં નથી, પછી ભલે એ પુદ્ગલો મિથ્યાત્વ કે અનંતાનુબંધી કર્મનાં હોય કે પૂર્ણ પંચપરમેષ્ટિનાં કલ્યાણના પરમાણુ હોય. પુગલ તથા આત્માનો આ તફાવત સદાકાળ રહેવાને લીધે કોઈ કાળે આત્મા કે પુદ્ગલ એકમય થતા નથી.
૧૨૫.