________________
કેવળી પ્રભુનો સાથ
અપેક્ષાએ સાધુસાધ્વીપણું જેટલું વિશુદ્ધ એટલું એમનું યોગ સાથેનું જોડાણ વધારે કાળે થાય છે. આ વાત ખૂબ જ ઊંડાણથી વિચારણીય છે. અને સિદ્ધપ્રભુએ તો અબાધિતપણે કાળની મર્યાદા વિના સાધુસાધ્વીપણાને ભજવાનું જ છે. આ છે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના ગુણોને પંચામૃતરૂપ આપી અરૂપી એવી બ્રહ્મરસ સમાધિની સાદિ અનંત અનુભૂતિ.
અહો! શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો આવો અપૂર્વ પુરુષાર્થ સદાસર્વદા વંદનીય છે. તેઓ પોતાનાં સ્વકલ્યાણનાં આરાધનમાં નિઃસ્વાર્થ પરકલ્યાણની તરતમતા સાથે (જુદા જુદા પરમેષ્ટિની નિઃસ્વાર્થતા તરતમતાવાળી હોય છે) તેમજ સમાન નિઃસ્વાર્થ સ્વકલ્યાણની ભાવના સાથે સ્વકલ્યાણમાં પ્રાપ્ત થયેલાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રનાં આરાધનના અપૂર્વ માર્ગને જગતનાં કલ્યાણને માટે બોધે છે.
અહો ! પંચપરમેષ્ટિનું એ પંચામૃત જીવને સંપ્રાપ્ત થાય તો તે અપૂર્વ પ્રક્રિયા દ્વારા સમ્યક્દર્શનનાં પાંચે લક્ષણોને અપૂર્વ માર્ગથી એકત્રિત કરી બ્રહ્મરસ સમાધિરૂપે સ્વરૂપ દર્શનમાં સરાવે છે. આ પ્રક્રિયાને યથાર્થતાએ સમજવા માટે સમ્યક્દર્શનનાં પાંચે લક્ષણોનો ઊંડાણથી અભ્યાસ કરવો જરૂરી છે. તેમાં પણ પંચપરમેષ્ટિ પ્રભુના વ્યક્તિગત ભાવો કેવી રીતે સમાય છે એ સમજવું ખૂબ અગત્યનું છે. શ્રી પરમેષ્ટિ પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી એ ભેદજ્ઞાન મેળવવા માટે આત્માને પુરુષાર્થ બનાવીએ, અને ભક્તિભાવથી આજ્ઞામાર્ગથી આવતા જ્ઞાનધોધને ઝીલવા પ્રયત્ન કરીએ. સમ્યક્દર્શનનાં પાંચ લક્ષણો છેઃ શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા તથા અનુકંપા.
શ્રી પંચપરમેષ્ટિ પ્રભુના સ્થાપક અને ધારક એવા શ્રી અરિહંત પ્રભુ! અમને પ્રશ્ન થાય છે કે ‘આત્માના ચૈતન્ય પદાર્થ અને પુદ્ગલનાં પૌદ્ગલિક લક્ષણો વચ્ચે એવો તો શું ફરક છે કે જેથી તે બંને નિશ્ચય નયથી સર્વ કાળને માટે જુદા રહે છે?' શ્રી દેવના ઇશ્વર એવા અરિહંત પ્રભુ એમની રૂપ મીઠી ઈષ્ટ, મિષ્ટ અને શિષ્ટ વાણીથી સૂક્ષ્મ અનુભવને સ્થૂળરૂપ કરી આજ્ઞામાર્ગથી ઉત્તર આપે છે તે સમજીએ.
૧૨૪