________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ
શ્રી આચાર્યજીનો પુરુષાર્થ અરૂપીની પૂર્ણતા કરવા માટે ઘણો જ પ્રશંસનીય છે, તેનાથી ધર્મનું સનાતનપણું અરૂપી આકાર લે છે. તેમાં વર્તમાનના પાંચ સમવાયમાં ધર્મનું મંગલપણું મેળવવા માટે યોગ્ય વીર્યબળ હોતું નથી; વળી, ધર્મના મંગલપણાને મેળવવા માટે પાંચ સમવાયની અપેક્ષાએ રૂપીપણું અનિવાર્ય છે. આથી આચાર્યજીના પુરુષાર્થની સૂક્ષ્મતાને લીધે ફળમાં જ્યાં ખામી રહે છે ત્યાં તે ખામી ઉપાધ્યાયજી આજ્ઞામાર્ગથી દૂર કરે છે. બીજી રીતે કહીએ તો નિત્યનિગોદથી શરૂ કરી વર્તમાન સ્થિતિ સુધી પહોંચવા સુધીમાં જીવે અનંત સપુરુષોનો ઉપકાર રહ્યો હોય છે, તે સર્વ પંચપરમેષ્ટિમાં સ્થાન પામ્યા જ હોય તેમ થતું નથી, તેથી ધર્મનાં સનાતનપણા અને મંગલપણાનાં પ્રતિક એવા કલ્યાણના આજ્ઞારસમાં જો એ પુરુષોનો આજ્ઞારસ ન હોય તો એમના પ્રતિ અવિનય તથા અનુપકારબુદ્ધિ થઈ ગણાય, અને તેનાં થકી બળવાન પરમાર્થ અંતરાય બંધાય, અને તે પંચપરમેષ્ટિનાં કલ્યાણના પરમાણુ માટે પાપનું કારણ થઈ જાય. વળી, આ પ્રક્રિયા આજ્ઞાથી થઇ હોવાને કારણે એમાં બંધન વધારવાનો અવકાશ હોઈ શકે નહિ. આ કારણથી આ કાર્ય શ્રી ઉપાધ્યાયજી પંચપરમેષ્ટિનાં પરમાણુઓમાં કરે છે. આ પરમાણુઓને પંચપરમેષ્ટિનાં પરમાણુરૂપે આચાર્ય, ગણધર, અરિહંત તથા સિદ્ધ થતા પ્રભુ ગ્રહણ કરી સર્વ સપુરુષોનો યોગ્ય વિનય કરે છે, તથા આભાર માને છે. વળી, આ પરમાણુઓ જો અરૂપી જ રહ્યા હોત તો બાળજીવોમાં અરૂપી પરમાણુ ગ્રહણ કરવાની કે ઉત્પન્ન કરવાની શક્તિ જ ન હોવાથી તેમને માટે આ પરમાણુઓ અગ્રાહ્ય થઈ જાય, પરિણામે માર્ગ અનાદિ સાંત થઈ જાય; જેનાં કારણે સર્વ સિદ્ધ પ્રભુને પરમાર્થ અંતરાયનાં મોટા પહાડ જેવાં બંધન થઈ જાય. આવા પરિણામની અસંભવિતતા કરનાર શ્રી ઉપાધ્યાયજીનું આ કાર્ય તથા પુરુષાર્થ અતિ પ્રશંસનીય અને અનિવાર્ય બને છે. આ સર્વ કારણથી આવું શુભ કાર્ય શ્રી ઉપાધ્યાયજી કરે છે તેને લીધે તેમને જે અરૂપીને રૂપી કરવાનો દોષ લાગે છે તે આજ્ઞામાર્ગથી તથા ગણધર અને આચાર્યના સાથથી ઘટતો જાય છે. અને ઉપાધ્યાયજી પ્રગતિ કરતાં કરતાં અરૂપીપણાની માત્રા વધારતા જાય છે.
૧૧૯