________________
પ્રાકથન
તથા ક્ષમાપના વિશેષ કરવા લાગી. અને આવેલું કર્મ કેવું જોરદાર અને ભયંકર છે તેનો કેટલોક લક્ષ મને શ્રી પ્રભુ તરફથી કરાવવામાં આવ્યો. પરંતુ શ્રદ્ધાનાં જોરને લીધે જરા પણ હિંમત હાર્યા વિના અડગ હાથે જેમ બને તેમ વિશેષતાએ આ કર્મને પ્રદેશોદયથી વેદીને નિર્જરાવવાનો નિર્ણય કર્યો, આ શ્રદ્ધાના બળથી, આ કાળમાં પણ પૂર્વે કરેલાં આધ્યાત્મિક ટાંચણને વ્યવસ્થિત રીતે લખવાનું કાર્ય દુ:ખતા હાથ સાથે નિયમિતપણે થયા કરતું હતું. રોજનાં પાંચ પાનાં લખાતાં જતાં હતાં. એ બાબતમાં શ્રી પ્રભુની કોઈ અજબગજબની કૃપા અનુભવાતી હતી.
ચોથી મેએ સવારે હું બોમ્બે હોસ્પિટલમાં દાખલ થઈ. જરૂરી લોહીની તપાસ, X-ray, કાર્ડિયોગ્રામ વગેરે લેવામાં આખો દિવસ પસાર થઈ ગયો. પાંચમી તારીખે સવારના સાડા આઠે ડો. પરાગ મુનશી ઓપરેશન શરૂ કરવાના હતા. ચોથીનો આખો દિવસ અને રાત મેં ક્ષમાપના તથા પ્રાર્થના કરવામાં જ ગાળ્યો હતો. આખી રાત ધર્મધ્યાનમાં પસાર થઈ હોવાથી પ્રભુકૃપાથી સવારના સારી તાજગી અનુભવાતી હતી. ખેદ કે ચિંતાનું તો નામનિશાન પણ ન હતું. પ્રભુ જે કરશે તે સારું જ હશે એવી દૃઢ શ્રદ્ધા મારા મનમાં વર્તતી હતી.
સવારના છથી આઠના ગાળામાં મારા મનમાં જીવ સમસ્ત માટે ક્ષમાભાવ અને કલ્યાણભાવ વિશેષતાએ વર્તતા હતા. શ્રી પ્રભુને અહીં જણાવું છું તે પ્રકારની પ્રાર્થના લગભગ થયા કરતી હતી,
“અહો! પરમકૃપાળુ શ્રી રાજપ્રભુ તથા સર્વ પંચપરમેષ્ટિ ભગવંતને મારા કોટિ કોટિ નમસ્કાર હોજો. અહો! કૃપાળુ ભગવંત! સંસાર ભજવાના આરંભકાળથી તમોએ મારા પર અનંતાનંત ઉપકારો કર્યા છે, અને છતાં નગુણા બની, ઉપકાર ઓળવી મેં આપની અશાતના અનેક વખત કરી છે. કરેલા આ સર્વ દોષો માટે ખૂબ ખૂબ પશ્ચાત્તાપ કરી આપની ક્ષમા માગું છું, સાથે સાથે આ જગતનાં જે જીવોને મેં અયોગ્ય રીતે દુભવ્યાં છે, તે સર્વને આપની સાક્ષીએ ખમાવું છું, અને તેઓ સહુ પ્રતિ મારો મૈત્રીભર્યો હાથ
xiii