________________
કેવળી પ્રભુનો સાથ
સ્પષ્ટ થશે કે શ્રી પંચપરમેષ્ટિની આજ્ઞાનો અનુભવ, તેમાંય જ્યારે તે અનુભવ અરૂપી રૂપ ધારણ કરે છે ત્યારે તે કેવો અલૌકિક, શબ્દાતીત અને અવર્ણનીય હોતો હશે! જેનું વર્ણન શાસ્ત્રોથી થઈ જ ન શકે. આ અનુભવની પરાકાષ્ટા દેશનામાં શ્રી ગણધર પ્રમુખ આચાર્યજી વેદે છે.”
આપણે જાણીએ છીએ કે શ્રી ગણધરપ્રભુ જ્યારે શ્રી તીર્થકર પ્રભુને પ્રશ્ન પૂછે છે ત્યારે તેના ઉત્તરરૂપે શ્રી પ્રભુ ૐ ધ્વનિથી સમાધાન આપે છે. આપણને તેમાં પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે જ્યાં ઉત્તર અરૂપી ૐ દ્વારા અપાય છે, ત્યાં પ્રશ્ન કેમ અરૂપી દ્વારા થતો નથી? વિચારતાં સમજાય છે કે છદ્મસ્થ અવસ્થામાં પ્રત્યેક સમયનું જ્ઞાન ન હોવાને કારણે ગણધરને રૂપી શબ્દોનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ તેમના શબ્દનાં પેટાળમાં તો એ જ અરૂપી ૐની ભાવના જ રહેલી છે. કેમકે જો આ ભાવના ન હોય તો શ્રી તીર્થંકર પ્રભુ જે કેવળજ્ઞાન તથા કેવળદર્શનને સતત માણે છે તેમને ઉત્તર આપવા માટે શબ્દો ફીકા અને અધૂરા લાગે છે. તેથી તેઓ યોગ્ય ઉત્તર આપવા માટે અરૂપી ૐની સહાય લઈ શ્રી ગણધરના યાચનારૂપ પ્રશ્નનું સમાધાન આપે છે. આ જ પુરુષાર્થને ગણધર ગુપ્તપણે છતાં સ્પષ્ટતાથી યોગ્ય પાત્ર જીવોને બોધે છે, અને આચાર્યજી એ બોધને ગ્રહણ કરી એ પુરુષાર્થને આત્મીયપણું અર્પે છે.
પ્રાર્થનાને અરૂપીપણું આપવા માટે, તે એક રૂપી ગુરુ કે પ્રભુ પાસે પ્રાર્થના કરવાને બદલે જો પંચપરમેષ્ટિના સ્કંધને કરવામાં આવે તો, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ અતિ અતિ અરૂપી શુદ્ધિ સાથે સહજપણે પળાય છે. કેમકે તેમ ન કરતાં એક રૂપી વ્યક્તિગત દાતાર પાસે જ મને સમાધાન મળશે એવા ભાવમાં જવાથી અન્ય સિદ્ધ ભગવાન, અરિહંત પ્રભુ, કેવળીભગવાન તથા સર્વ છદ્મસ્થ આપ્ત આત્મા પાસે આ પ્રશ્નનું સમાધાન કે નિરાકરણ હોવાનો નકાર જીવ અજાણપણે કરે છે. આ નકારને કારણે તે જીવ પરમાર્થ અંતરાય બાંધે છે, પરિણામે તે જીવ ઉત્તરની યથાર્થ સમજણ તથા પૂર્ણ સમજણથી વંચિત રહે છે. માટે, સર્વ શ્રી આચાર્યની અતિ પવિત્ર અરૂપી પ્રાર્થનાને સમય સમયના વંદન હો.
૧૦૮