________________
કેવળી પ્રભુનો સાથ
પંચામૃતનો કેવો અને કેટલો સાથ કેવી રીતે પામે છે તેની વિચારણા કરવા તથા સમજણ લેવા આપણે શ્રી પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી પ્રવૃત્ત થઈએ.
શ્રી આચાર્યજીનાં અપૂર્વ મૌન તથા ગંભીર એવી કલ્યાણની ઉપાસના વિચારતાં જણાય છે કે તે ઉપાસના અતિ દુષ્કર તથા અસ્ખલિત અપ્રમત્તભાવથી ભરેલી છે. આવા ઉત્તમ પુરુષાર્થને છદ્મસ્થ દશામાં લાંબા ગાળા સુધી ટકાવી રાખવો એ એક આશ્ચર્યકારક બીના છે. તેથી સવાલ થાય છે કે શ્રી આચાર્યજી ક્યા ભાવને લીધે છદ્મસ્થ પર્યાયમાં આ પુરુષાર્થની સિદ્ધિ કરે છે ? શ્રી પ્રભુ એમના અંતરના જ્ઞાનના પેટાળમાંથી ૐૐ ધ્વનિના ગુંજનદ્વારા બોધદાન કરે છે.
શ્રી આચાર્યજી ભલે પોતાના પૂર્વકાળમાં જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ, યોગમાર્ગ કે ભક્તિમાર્ગને અનુસર્યા હોય, પરંતુ પંચપરમેષ્ઠિના આચાર્યપદને પામ્યા પછી તેઓ આજ્ઞામાર્ગે જ આગળ વધે છે. આ આજ્ઞામાર્ગમાં તેમને લોકકલ્યાણના ભાવની ઉત્કૃષ્ટતાના પ્રમાણમાં પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓનો અપૂર્વ સાથ મળે છે. આ સાથે આજ્ઞામાર્ગની મુખ્ય ભૂમિકાનો વિચાર કરીએ તો તેમાં દાતાર પાસે સિદ્ધિ મેળવવાના હેતુથી કરેલી બિનશરતી અર્પણતા છે. આજ્ઞામાર્ગ પૂર્વમાં સેવેલા જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ, યોગમાર્ગ કે ભક્તિમાર્ગમાંથી આવતા જીવના દોષોને નિ:શેષ કરે છે; તે માર્ગ જીવમાં સમાન ગુણોને ખીલવી તરતમતા સાથે ધોરીમાર્ગ પર ચલાવે છે. આ ધોરીમાર્ગ જીવને અપૂર્વ સાધના આપે છે, અપૂર્વ પુરુષાર્થ આપે છે અને અપૂર્વ સિદ્ધિ પણ આપે છે. આજ્ઞામાર્ગની ભૂમિકામાં મુખ્યતાએ પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ, વિનય અને આભાર આવે છે. આ ઘટકો વિશે હવે વિચારીએ.
પ્રાર્થના
પ્રાર્થના એ ઇષ્ટદેવ કે ગુરુ પાસે ઇચ્છિત સિદ્ધિની પ્રાપ્તિ માટે અંતરની લાગણીથી ઉપાર્જિત સાધકની યાચના છે. તેમાં બુદ્ધિનો ઉપયોગ અતિ મર્યાદિત અથવા નહિવત્ છે; કારણ કે પ્રાર્થનામાં પોતાની શક્તિ, સમજણ તથા ગ્રહણશક્તિને
૧૦૬