________________
ચેતન જે સ્થિતિનો અનુભવ કરે છે તે પુદ્ગલના અનુભવથી પર છે, અને પુદ્ગલની આ મર્યાદા સિધ્ધદશાના અનુભવનું વર્ણન કરવામાં ખૂબ આડી આવે છે. આ અનંત સુખનાં ધામરૂપ આ પદનો આવિષ્કાર તો માત્ર તેના અનુભવથી જ થઈ શકે એવો છે. તેથી તે પરમપદને પામવાની પરમ ઇચ્છા શ્રી રાજપ્રભુએ અંતિમ ૨૧મી કડીમાં સ્પષ્ટપણે મૂકી છે.
એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગ૨ને હાલ મનોરથ રૂપ જો,
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ — પૂર્ણ કલંકરહિત અડોલ દશા
તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો,
પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ ૨૧
૮૭
....
પૂર્ણ શુધ્ધ આત્મા સિધ્ધભૂમિમાં જે સુખને માણે છે, તે સુખનું વર્ણન કરવા માટે શ્રી સર્વજ્ઞપ્રભુની અનેક ગુણોથી ભરેલી કલ્યાણમય વાણી પણ પૂરી સફળ થતી નથી, એવા આ “પરમપદ” ને હાંસલ કરવાનું ધ્યેય શ્રી રાજપ્રભુએ રાખ્યું છે. વર્તમાન અવસ્થામાં આ પદની પ્રાપ્તિ કરવી તેમને ‘ગજા વગર’ શક્તિ વિના કાર્ય સિદ્ધિ કરવા જેવું લાગે છે, તેથી તે તમન્ના માત્ર મનોરથરૂપ – શેખચલ્લીના વિચાર જેવી અસંભવ દેખાય છે. તેમ છતાં તેમણે જે આજ્ઞામાર્ગ ગ્રહણ કર્યો છે, અને તેનાં ફળનો જે અનુભવ થયો છે તેના આધારે તેમનાં મનમાં અચળ શ્રધ્ધા છે કે આ આજ્ઞામાર્ગનું નિશ્ચયથી આરાધન કરવાથી, પ્રભુની સતત અખંડિત આજ્ઞામાં પ્રવર્તવાથી જરૂર આ મનોરથ પૂર્ણ થવાનો છે. આ કડી આપણને આજ્ઞામાર્ગનું અપૂર્વપણું નિશ્ચયથી સમજાવી જાય છે. વર્તમાનમાં આ પદને મેળવવા જે પાંચ સમવાયની સાનુકૂળતા મળી નથી, તે પ્રભુની આજ્ઞાએ સતત વર્તવાથી સાનુકૂળતા થવાની જ છે અને પૂર્ણ શુધ્ધ થઈ એ મહાપદના અનુભવી થવાનો અપૂર્વ અવસર આવવાનો જ છે એવું શ્રધ્ધાન આ કાવ્યની અંતિમ કડીમાં વ્યક્ત થતાં મંદિર ઉપરના કળશ જેવી શોભા આપે છે. આમ આ અદ્ભુત કાવ્ય ચોથાથી ચૌદમા ગુણસ્થાન સુધીનો આજ્ઞામાર્ગે શ્રી રાજપ્રભુએ વિકાસ કરવા ધાર્યો છે તેનું સુંદર, સાનુભવ વર્ણન કરે છે.
ૐ શાંતિઃ