________________
કેવળી પ્રભુનો સાથ
પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો, સાદિ અનંત અનંત સમાધિ સુખમાં,
અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ . ૧૯ પૂર્ણ આજ્ઞાધીન થવા માટે જે બધો પુરુષાર્થ કર્યો હતો તેનું ફળ આત્માને સિધ્ધભૂમિમાં સ્થાયી થતી વખતે મળે છે. આત્માનો મૂળભૂત સ્વભાવ ઉર્ધ્વગામી – ઊંચે જવાનો છે. અત્યાર સુધી કર્મનાં દબાણને કારણે તે આખા લોકમાં કર્મોદય પ્રમાણે વસતો હતો, પરંતુ જેવું તેના પરથી કર્મનું દબાણ ઓછું થાય ત્યારે તે ઊંચે જતો; દબાણ વધતાં તે નીચે ઊતરતો. આ પ્રકૃતિના કારણે જ્યારે તે પૂરેપૂરો કર્મ રહિત બની અગુરુલઘુ થાય છે કે તરત જ તે ઠેઠ સિધ્ધાલયમાં લોકના ઊંચામાં ઊંચા ભાગમાં એક જ સમયમાં પહોંચી જાય છે, અને તેથી ઊંચે ગતિ કરવા ધર્માસ્તિકાયની સહાય ન હોવાથી ત્યાં જ સ્થિર થઈ જાય છે. આ ક્ષેત્રે શુધ્ધ આત્મા સાદિ અનંતકાળ માટે અનંત જ્ઞાન, અનંત દર્શન સહિત અનંત સમાધિ સુખમાં રહે છે. આ સુખ કેવું છે તેનું પૂરું વર્ણન શ્રી અરિહંત ભગવંત જે સર્વ અપેક્ષાએ પૂર્ણ છે તે પણ કરી શકતા નથી; તો તેનાથી નબળી કક્ષાએ રહેનાર અન્ય કોઈ પણ આત્મા કરી શકવા સમર્થ નથી, એવું આ પદનું અનન્યપણું તથા અવર્ણનીયપણું વીસમી કડીમાં વર્ણવ્યું છે.
જે પદ શ્રી સર્વન્ને દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો, તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે,
અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ ... ૨૦ સિધ્ધભૂમિમાં વસતા પરમ શુધ્ધ આત્મા જે સુખનો અનુભવ કરે છે તે પદનું વર્ણન કરવા શ્રી અરિહંતપ્રભુ કે કેવળીપ્રભુ પણ સમર્થ નથી, તો પછી અન્ય છદ્મસ્થ જીવની વાણી તો કઈ રીતે સમર્થ હોય? આ પદનું સુખવર્ણન કરવું પુદ્ગલવાણીની મર્યાદા બહારનું છે, કારણ કે આ પદ માત્ર અનુભવીને જ સમજી શકાય એવું છે.