________________
કેવળી પ્રભુનો સાથ
એવું અદ્ભુત હોય છે કે તેમના થકી કલ્યાણભાવ બળવાનપણે પ્રસરે છે. જે આજ્ઞાપ્રેરિત, કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. આમ ઘાતિ કર્મનો નાશ કરી, કૃતકૃત્ય બની, અનંત કાળનાં પરિભ્રમણમાં જગતનું જે જે ઋણ સ્વીકાર્યું હતું તેની ચૂકવણી કલ્યાણનાં ઉત્તમ પરમાણુઓની જગતને ભેટ આપીને કરે છે. આ કલ્યાણકાર્યમાં તેમનું ઉત્કૃષ્ટ વીર્ય પ્રકાશિત થાય છે. આ પ્રકારે ચારે ઘાતિ કર્મના નાશથી આત્મા જે અદ્ભુત અવસ્થા મેળવે છે તેનું વર્ણન ૧પમી કડીમાં થયેલું છે.
આ જ કેવળી પર્યાયમાં ચારે અઘાતિ કર્મની અવસ્થા કેવી હોય છે તેનું વર્ણન ૧૬મી કડીમાં થયેલું છે; સાથે સાથે સિધ્ધપર્યાય મેળવવા માટે આત્મા કેવી ભવ્ય તૈયારી કરે છે તેનો ચિતાર પણ અપાયો છે. ચારે અઘાતિ કર્મમાં જીવને પરેશાન કરનાર વેદનીય કર્મ છે, અને શુધ્ધાત્માને પણ આ વેદનીય કર્મનો ઉદય વેદવો જ પડે છે, ઘાતિ કર્મની જેમ એક સાથે તેને ક્ષીણ કરી શકાતું નથી. અન્ય ત્રણ અઘાતિ કર્મ કરતાં વેદનીય કર્મ વિશેષ પરમાણુઓના જથ્થાવાળું અને બળવાન હોવાથી તે કર્મને વર્ણવી આદિ શબ્દથી અન્ય કર્મોની સ્થિતિ સૂચવી છે. તેમાં “વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં” એમ કહી તે કર્મો “બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો” જેવા છે અર્થાત્ ઘાતિ કર્મો ગયા પછી અઘાતિ કર્મની સ્થિતિ, સીંદરી બળી ગયા પછી જેમ તેની માત્ર આકૃતિ જ રહે છે પણ તેનામાંથી અન્યને બાંધવાની, આદિ શક્તિનો હ્રાસ થઈ જાય છે, તેવી થઈ જાય છે. જ્યાં સુધી ઘાતિ કર્મનું અસ્તિત્વ હોય છે ત્યાં સુધી જ અઘાતિ કર્મો નવાં ઘાતિ કર્મોનો બંધ કરાવી શકે છે, ઘાતિ કર્મ જતાં અઘાતિ કર્મની નવાં કર્મો બંધાવવાની શક્તિનો હ્રાસ થઈ જાય છે. તેથી પૂર્વ સંચિત અઘાતિ કર્મ ભોગવતાં આત્મા યોગના જોડાણના સમય સિવાય એક પણ નવું કર્મ બાંધતો નથી. અને યોગના જોડાણ વખતે માત્ર એક શાતા વેદનીય કર્મ અને તેમાંય મુખ્યત્વે કલ્યાણનાં પરમાણુઓનો જ આશ્રવ કરે છે; અને તે આશ્રવ પણ માત્ર એક સમયની મર્યાદા પૂરતો જ રહે છે. શાતાવેદનીય કર્મ એક સમયમાં બંધાઈ, બીજા સમયે ભોગવાઈ ત્રીજા સમયે તો ખરી પણ જાય છે. આમ આ કર્મો જીવનાં જન્મમરણને વધારવામાં અંશ માત્ર સફળ થઈ શકતાં નથી, તેથી આ કર્મોની હાલત બળેલી સિંદરી જેવી નિષ્ક્રિય કહી શકાય. નવો