________________
પૂર્ણ આશાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
શ્રેણિમાં આત્મા પ્રત્યેક સમયે સ્વરૂપ લીનતા વધારતો જાય છે. તે માટે તે ઉત્તમોત્તમ સ્વરૂપ ચિંતવન કરે છે, પોતાનાં મૂળ શુધ્ધ સ્વરૂપના અનુભવને વધારવા માટે ગુણાશ્રવ કરતાં કરતાં, શ્રી પંચપરમેષ્ટિ ભગવંત જેઓ આ દશાના અનુભવી છે અને જેમણે સહુ જીવો માટે કલ્યાણભાવ વેદ્યો છે, તેમનાં કલ્યાણનાં પરમાણુ રહી, તેની સહાયથી પોતાનું વીર્ય વર્ધમાન કરતાં જઈ, એક પછી એક શુદ્ધિ અને સિદ્ધિનાં સોપાન સર કરતો જાય છે. આ ગાળામાં આત્માના આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપનું ઐક્ય થતું જાય છે અને બંને એકરૂપ થઈ જાય ત્યારે તેરમું ગુણસ્થાન પ્રગટ થાય છે. આજ્ઞારૂપી ધર્મ અને તપના ઐક્યપણાની ઉત્કૃષ્ટતાને આધારે આઠમાથી તેરમાં ગુણસ્થાનની રચના શ્રી પ્રભુએ કરી છે.
આ પ્રકારે આજ્ઞામાર્ગમાં અત્યંતપણે સ્થિર થઈ, મોહરૂપી મોટામાં મોટો દરિયો જેને લોકના સ્વયંભૂરમણ સમુદ્રની ઉપમા આપવામાં આવી છે, જેમાં મહા ભયંકર જીવો પુરુષાર્થીને પાડવા સતત પ્રયત્નવાન રહે છે તેવા વિશાળ અને ઊંડા મહાસાગરને આત્મા પંચપરમેષ્ટિના આજ્ઞારસની સહાયથી સ્વપુરુષાથી બની તરી જાય છે, અને “ક્ષીણમોહ’ નામના બારમાં ગુણસ્થાને આવે છે.
મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી..” આ પંક્તિ વિચારતાં સમજાય છે કે જીવ આજ્ઞાધીન બની ક્ષપક શ્રેણિના ૮, ૯, ૧૦ ગુણસ્થાને થઈ, ૧૧મા ગુણસ્થાનને ટપી જઈ બારમા ગુણસ્થાને – “ક્ષીણમોહ” નામના ગુણસ્થાને આવે છે. ૧૦માં ગુણસ્થાનના અંત સમયે આત્માના મોહનો – કષાય માત્રનો પૂર્ણતાએ ક્ષય થાય છે અને અન્ય ઘાતિ કર્મના બંધ પડવા અટકી જાય છે, તેથી પ્રગટેલાં અપૂર્વ વીર્યની સહાયથી આત્મા ૧૧મું ગુણસ્થાન ઓળંગી બારમા ગુણસ્થાને આવી શકે છે. આ ગુણસ્થાને આત્મા બાકી રહેલાં ત્રણ ઘાતિ કર્મોના અવશેષો બાળી, તેના અંતસમયે પોતાના “કેવળજ્ઞાન કેવળદર્શન” રૂપ ખજાનાને પ્રગટાવે છે. એટલે કે કર્મબંધનાં પાંચ કારણોમાંથી પહેલાં ચાર કારણો નિક્ળ થાય છે અને એક માત્ર યોગ જ કારણરૂપ રહે છે. તેથી આત્મા “સયોગી કેવળી” ની દશા મેળવે છે.
૭૯