________________
કેવળી પ્રભુનો સાથ
મોહસ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષણમોહ ગુણસ્થાન જો , અંતસમય ત્યાં પૂર્ણસ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. અપૂર્વ ... ૧૪
આ કાવ્યની સાતમી તથા આઠમી કડીમાં કરવા ધારેલા કષાયજયને સફળ કરવા માટેનો પુરુષાર્થ નવમીથી બારમી કડીમાં વર્ણવ્યો છે, તે આપણે જોયું. આ પુરુષાર્થમાં જીવ વિશેષ વિશેષ શુધ્ધ કલ્યાણનાં પરમાણુઓ ગ્રહતો જાય તેમ જ છોડતો જાય છે અને કષાયને અલ્પ અલ્પ કરતાં જઈ અંતિમ કષાય જય માટે - શ્રેણિએ જવાની તૈયારી કરતો જાય છે. આમ કરતાં કરતાં તે પંચપરમેષ્ટિનાં આજ્ઞાકવચને ધારી શ્રેણિના ગુણસ્થાનો એક સપાટે ચડવામાં સફળતા મેળવે છે. આ સમયમાં તે એટલો બળવાનપણે ગુણાશ્રવ કરે છે કે ઘણા નાના ગાળામાં (૯ સમયથી બે ઘડી સુધીના કાળમાં) પૂર્ણતાએ અપ્રમાદી રહી સર્વ ઘાતી કર્મોનો ત્વરાથી ક્ષય કરી, તેમાથી બારમા ગુણસ્થાન સુધીનો વિકાસ કરી શકે છે.
પૂર્વ વર્ણિત પુરુષાર્થના આધારે આત્મા પૂર્ણ અપ્રમાદી થઈ ચારિત્રમોહનો બાહ્યથી નાશ કરી, અંતરંગમાં પ્રવર્તતા ઉદયગત કે સત્તાગત, સૂક્ષ્મથી લઈને અતિ અતિ સૂક્ષ્મ કષાયના પણ ક્ષય કરવા પ્રતિ વળે છે. આ ક્ષેપક શ્રેણિના આઠમા ગુણસ્થાનની શરૂઆત છે. આ ગુણસ્થાન ‘અપૂર્વ કરણ” તરીકે ઓળખાય છે, કારણ કે આવો અદ્ભુત ગુણાશ્રવ અને કર્મ નિર્જરા જીવે આ પૂર્વે કદી પણ અનુભવ્યા હોતાં નથી; જે આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપની એકતાની શરૂઆત કહી શકાય. ક્ષપક શ્રેણિના આ ગુણસ્થાનને જે અનુભવે, તેનો પુરુષાર્થ એટલો ઉગ્ર થાય છે કે તે આત્મા દશમાથી બારમાં ગુણસ્થાને જઈ તેરમાં ‘સયોગી કેવળી’ ગુણસ્થાને પહોંચીને જ રહે છે. તેરમા ગુણસ્થાને પહોંચવા માટેની – શ્રેણિ પસાર કરવા માટેની પ્રક્રિયા ચોથી “અનન્ય ચિંતન અતિશય શુધ્ધ સ્વભાવ જો’ પંક્તિમાં જણાવી છે.
૭૮