________________
કેવળી પ્રભુનો સાથ
પરિસ્થિતિ છે જે માન કષાયને પોષણ આપે છે, જીવન અને મરણ વચ્ચે માયા પોતાનું રૂપ બતાવે છે. આમ આ ત્રણે ઘટના સંસારની છે, તેથી તેમાં સ્વરૂપને સાચવવા સમભાવ રાખી શકાય. કારણકે તે બે વચ્ચેનો ભેદ ભાંતિગત છે. પણ ભવ તથા મોક્ષ વચ્ચેનો ભેદ તો સદાસર્વદા સ્વયં વિરોધી જ છે, તેમાં સમભાવ ઘટે નહિ, તે વચ્ચેનો ભેદ તો શુધ્ધ સ્વભાવથી જ ભૂંસી શકાય. આ શુધ્ધ સ્વભાવ ક્રોધ, માન,માયા અને લોભ એ ચારે કષાયથી અલિપ્ત છે. આ રીતે આ કડીમાં ચડતા ક્રમમાં અનુભવાતું આજ્ઞારૂપી ધર્મનું પાલન વર્ણવ્યું છે.
શત્રુ કે મિત્રરૂપ વ્યક્તિ કષાય કરવા માટે બાહ્ય કે સ્થૂળ નિમિત્ત છે, તેના પ્રસંગમાં ક્રોધ પર જય કરવાથી સ્થિરતા પ્રગટે છે, તે પછી તેમના પ્રતિથી સર્જાતી માન કે અપમાનની સ્થિતિ જે વિશેષ સૂક્ષ્મ તેમ જ અંતરને સ્પર્શનારી છે તેમાં પણ આજ્ઞારૂપી ધર્મનું પાલન કરી માનનો જય કરવા મુનિ ભાગ્યશાળી બને છે. તેનાથી આજ્ઞારૂપી ધર્મનાં પાલનમાં આગળ વધી આખા જીવનને આવરી લેતી જીવન મરણની સ્થિતમાં માયાનો જય કરી સ્વરૂપ સ્થિરતા માણવા મુનિ ભાગ્યશાળી થાય છે. આ એક ભવથી વિસ્તરી સમસ્ત પરિભ્રમણનું અનુસંધાન કરી ભવ તથા મોક્ષની બાબતમાં શુધ્ધ સ્વભાવ પ્રવર્તાવી લોભ કષાય સહિત ચારે કષાયનો સંપૂર્ણ જય કરી આજ્ઞારૂપી ધર્મના પાલનની ઉત્કૃષ્ટતા અભિલાષી છે.
આ નવમી તથા દશમી કડીમાં મુનિ અવસ્થાને યોગ્ય સહજ આચારના અનુસંધાનમાં કષાય જય કેવી રીતે થાય છે, ઉત્તમ શ્રેણિની તૈયારી કેમ થતી જાય છે તે દર્શાવ્યું છે, એટલે કે મુનિ અવસ્થામાં આજ્ઞારૂપી તપના પાલનથી અસંખ્યગમે નિર્જરા કરી આજ્ઞારૂપી ધર્મમાં સ્થિર રહેવા આત્મા સતત પ્રયત્નવાન રહે છે. તેમ છતાં કેટલાંક અર્ધ નિકાચીત કર્મો એવાં હોય છે કે જે અમુક ગાળા પછી જ ઉદયમાં આવે, તે ઉદયમાં આવી ભોગવાય ત્યાં સુધી રાહ જોવાથી મુનિનો સંસારકાળ લંબાઈ જાય છે. આવા સંજોગોમાં મુનિ આદરેલા મહાસંવરના માર્ગમાં આજ્ઞાપાલન સાથે ઉત્તમ કલ્યાણભાવ ભેળવી સંસારનો અંત ઝડપથી લાવવાનો પુરુષાર્થ કરે છે. તે પુરુષાર્થ શ્રી રાજપ્રભુએ ૧૧મી અને ૧૨મી કડીમાં વર્ણવ્યો છે.
૭૪