________________
કેવળી પ્રભુનો સાથ
૪. ભામંડળ શ્રી પ્રભુ ઉત્તમોત્તમ કલ્યાણભાવ સાથે પૂર્ણ થયા હોવાથી, તેમના શુદ્ધાત્માનું ઉત્તમ પ્રકારનું તેજ તેમનાં મસ્તકની આસપાસ વર્તુળાકારે પ્રતિબિંબિત થયા કરતું હોય છે. પરંતુ જેમની આત્મદશા યોગ્ય ન હોય તેવા જીવોને આ તેજવર્તુળનાં – ભામંડળનાં દર્શન થતાં નથી. ભા એટલે આભા અર્થાત્ તેજ અને મંડળ એટલે સમૂહ. ભામંડળ એટલે શુદ્ધાત્મામાંથી પ્રગટ થતો તેજનો સમૂહ. આ ભામંડળ મુખ્યતાએ મસ્તકની પાછળ રચાય છે, કેમકે પ્રત્યેક પૂર્ણ તેજસ્વી ઇન્દ્રિયો માત્ર મસ્તકના ભાગમાં આવેલી છે.
સમવસરણમાં આવેલા સહુ જીવોમાંથી કોઈ ભામંડળનાં દર્શનથી વંચિત ન રહે તેવા શુભ હેતુથી આ ભામંડળનાં ક્ષેત્રમાં સાત પ્રકારનાં રત્નોનું જડતર દેવો કરે છે. સુવર્ણચક્રમાં જડાયેલાં આ ઉત્તમ પ્રકારનાં રત્નો પ્રભુનાં મસ્તકની પાછળ ફરતાં રહે છે. રત્નોની તેજસ્વીતા એટલી બધી હોય છે કે તેને લીધે સુવર્ણનો ચળકાટ દબાઈ જાય છે, અને રત્નોનું તેજ પ્રભુનાં ભામંડળની શોભા વધારતું રહે છે. સમવસરણસ્થ જે કોઈ જીવ આ ભામંડળનાં દર્શન કરે છે તેને પોતાના પૂર્વના સાત જન્મની જાણકારી આવે છે.
૫. માનસ્તંભ સમવસરણની ચારે દિશામાં ચાર મોટા દરવાજા હોય છે. દરેક દરવાજા પર કમાન અને તે પછીના ભાગમાં માનસ્તંભ હોય છે. આખા સમવસરણમાં કુલ ચાર માનસ્તંભ હોય છે. સમવસરણના દરવાજામાંથી દાખલ થઈ જીવ જ્યારે માનસ્તંભ પાસે આવે છે ત્યારે આ સ્તંભના પ્રભાવથી તે જીવનો માનભાવ અમુક અંશે ઓગળી જાય છે. અને તેનાં કારણે પરમાર્થમાં એક ડગલું આગળ વધવાનો તેને અવકાશ થાય છે.
આ માનસ્તંભની રચના દેવો કરે છે. અને એને એવાં પુદ્ગલથી બનાવે છે કે તેમાંથી નીકળતાં કિરણો જીવને અંતરંગમાં સ્પર્શે છે, આ કિરણોનો સ્પર્શ જીવને મોહનીય કર્મ તોડવામાં સહાયક થાય છે. આ રીતે માનસ્તંભ એ પ્રભુ માટેનો દેવકૃત અતિશય છે.