________________
શ્રી અરિહંતનો મહિમા
૩. સિંહાસન અશોકવૃક્ષનાં થડના નીચેના ભાગને ફરતી વ્યાસપીઠની રચના દેવો કરે છે. વ્યાસપીઠની ઊંચાઈ પ્રભુની ઊંચાઈ જેટલી હોય છે. વ્યાસપીઠ ગોળાકારમાં રચાય છે અને તેના ઉપર પ્રભુને બેસવા યોગ્ય સિંહાસન રાખવામાં આવે છે. આ સિંહાસન પણ પ્રભુ માટેનો દેવકૃત અતિશય છે.
સર્વ ઘાતકર્મોનો શુરવીરતાથી ક્ષય કરી, નિર્ભયપણે જે સંસારવનમાં વિહરી શકે તથા સર્વને કલ્યાણ માટે આશ્રય આપી શકે તેવા ઉત્તમ પુરુષને બેસવા યોગ્ય આ આસન – સિંહાસન હોય છે. ચૌદ સ્વપ્નમાં સિંહ સાથે આ આસન અમુક અંશે સંબંધ ધરાવે છે. આ સિંહાસન સુવર્ણનું બનેલું હોય છે, તેને કોઈ પીઠીકા હોતી નથી, અને તેમાં ચોતરફ લોકનાં અમૂલ્ય રત્નો જડવામાં આવ્યાં હોય છે. આમાં જડેલાં અમુક રત્નો એવી વિશેષતા ધરાવે છે કે તેના આધારે જે કંઈ રાખવામાં આવે તેને સ્થિર રહેવા માટે બીજા કોઈ આધારની જરૂર પડતી નથી. તે સ્વયં સ્થિર રહી શકે છે. પ્રભુનું સિંહાસન આવા રત્નોના આધારે તેની જગ્યાએ સ્થિર રહે છે, નીચે ઊતરી જતું નથી કે ખસી જતું નથી. આ આસનના બરાબર મધ્ય ભાગમાંથી અશોકવૃક્ષ પસાર થાય છે.
આ સિંહાસન પર પ્રભુ નિયમપૂર્વક પૂર્વાભિમુખ બેસે છે. પરંતુ દેવો પોતાની શક્તિથી પ્રભુના દેહને વિકુવી આ સિંહાસન પર એવી રીતે સ્થાપે છે કે જોનાર સહુ જીવોને એમ જ લાગે કે પ્રભુ તેમની સન્મુખ જ બિરાજે છે. પ્રભુ પોતાનાં સ્થાને બિરાજમાન થાય તે પહેલાં સહુ ભવ્ય જીવો પોતાનાં સ્થાને વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય છે.
જે તિર્યંચો પોતાની મેળે સમવસરણમાં આવવા માટે સમર્થ ન હોય પણ પાત્ર જીવો હોય તેવા તિર્યંચોને દેવો સહાય આપી સમવસરણમાં લાવે છે. જેમકે જળચર પ્રાણીઓ કે ચાલવા અશક્ત પ્રાણીઓ, જળચર પ્રાણીઓ માટે દેવો સમવસરણમાં પાણીનાં તળાવની સુવિધા પણ કરે છે. એ જ રીતે દૂર વસતા માનવો કે પ્રાણીઓને પણ સહાય કરી સમવસરણ સુધી પહોંચાડે છે. આવાં પરોપકારી કાર્યો નિસ્વાર્થભાવે કરી દેવો પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જ છે.