________________
કેવળી પ્રભુનો સાથ
તેમાંથી અસંખ્ય નાની ડાળીઓ નીકળે છે, પ્રત્યેક ડાળી પાન, ફૂલથી ભરેલી હોય છે, તેથી તે વૃક્ષ ઘટાદાર બને છે.
શ્રી તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી એકેંદ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીનાં જીવો લાભ પામી શકે તેમ છે તેનું સૂચવન કરવા તથા એકેંદ્રિય જીવોનાં પ્રતિકરૂપ ઉત્તમ એકેંદ્રિય વનસ્પતિકાયના પ્રતિનિધિરૂપ અચેત વૃક્ષની રચના દેવો કરે છે. આ વૃક્ષ પ્રભુનાં કદ કરતાં બાર ગણું ઊંચું હોય છે, અને પ્રભુની ઊંચાઈ જેટલી તેની પીઠીકા હોય છે. આમ આ વૃક્ષ પ્રભુની ઊંચાઈ કરતાં તેરગણું ઊંચું હોય છે. તેમાં ઉપરના પાંચ ભાગ ડાળી, પાન, ફૂલ આદિથી ભરપૂર ઘટાદાર હોય છે, અને નીચેના સાત ભાગ એ વૃક્ષના થડરૂપ હોય છે. આ પરથી એ સૂચવાય છે કે છદ્મસ્થ દશામાં પ્રભુએ ગ્રહણ કરેલાં કલ્યાણનાં પરમાણુઓ, કેવળજ્ઞાન પ્રગટયા પછી વૃક્ષની ઘટા જેવી સ્થિતિ પામે છે, અને તેની લહાણી જગતનાં તમામ જીવોને મળે છે. પ્રભુ, કેવળજ્ઞાન પ્રગટાવ્યા પછી જ દેશના આપતા હોવાથી, અને ત્યાર પહેલાં મુખ્યતાએ મૌન રહેતા હોવાથી ધર્મબોધરૂપ ઘટા છદ્મસ્થ અવસ્થામાં આવતી નથી એવી સમજણ આ વૃક્ષની રચના જોતાં પમાય છે.
આ વૃક્ષને અશોકવૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ વૃક્ષનો પ્રભાવ એવો છે કે જે જીવને આ વૃક્ષનાં દર્શન થાય છે તે જીવ સમવસરણમાં હોય ત્યાં સુધી સંસારના સંકલ્પ વિકલ્પરૂપ શોકથી મુક્ત થાય છે. તે જીવ અંતરંગમાં શાતાનું વેદન કરે છે. આથી જીવને શોકમુક્ત થવાનું નિમિત્ત આપનાર વૃક્ષ અશોકવૃક્ષ કહેવાય છે. મૂળમાં શ્રી પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓને ગ્રહણ કરી આ વૃક્ષ ચોતરફ ફેલાવે છે, અને જીવોને શાંતિ આપવામાં નિમિત્તરૂપ થાય છે. આ પ્રકારની ખૂબીભરી રચના દેવો કરે છે, તેથી તે દેવકૃત અતિશય ગણાય છે. આ વૃક્ષની વચમાંની સહુથી ઊંચી ડાળી જીવે પ્રાપ્ત કરવા યોગ્ય પંચમજ્ઞાન (કેવળજ્ઞાન) અને પંચમગતિ (મોક્ષ) સૂચવે છે. બાકીની ચાર મુખ્ય ડાળીઓ ચાર જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે, તથા પ્રભુ ચારે ગતિનાં ભવ્ય જીવોને બુઝાવવાના છે એવો સંદેશો પ્રસારિત કરે છે. અન્ય સર્વ ડાળી તથા પાન સંસારનાં સ્વરૂપનો લક્ષ જીવને કરાવતાં રહે છે.