________________
કેવળી પ્રભુનો સાથ
જીવો માટે બળવાન કલ્યાણભાવનું વેદન કરી પરમાર્થ પુણ્ય તથા પરમાર્થના ઋણના સંબંધો વધારતા જાય છે, જેને લીધે ભાવિમાં અનેકાનેક જીવો તેમના થકી માર્ગ પામી સંસારથી મુક્ત થવાનું અભયવચન મેળવે છે.
આ પ્રમાણે વરસીદાનનું એક વર્ષ પૂરું થાય ત્યારે લોકાંતિક દેવલોકના સમકિતી દેવો આવી, પ્રભુને વંદન કરી, તેમને દીક્ષા લેવાનો યોગ આવ્યાની જાણકારી, વિનંતિ કરી, કરાવે છે. પ્રભુને અવધિજ્ઞાન તથા મતિજ્ઞાનની વિશુદ્ધિને કારણે દીક્ષાયોગની જાણકારી હોય જ છે, પણ સ્વચ્છેદરહિત આજ્ઞાનાં મહાભ્યને જાળવવા માટે આ વિધિ દશાવાન દેવો દ્વારા થાય છે. દેવોની વિનંતિ થતાં પ્રભુ દીક્ષા લેવા તત્પર બને છે.
ભરત તથા ઐરાવત ક્ષેત્રમાં, પ્રભુ સહુની આજ્ઞા લઈ, જંગલમાં જઈ સ્વયં દીક્ષિત થાય છે. તેઓ બધો વેશ ઉતારી, કેશલોચન કરી, મુનિવેશ ધારણ કરે છે. મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ તીર્થંકર પ્રભુ બિરાજતા હોવાથી પ્રભુ તેમનાં સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરે છે. અને પછી આરાધના કરવા જુદા પડે છે. પ્રભુ જ્યારે શિબિકામાં બેસી જંગલમાં જાય છે ત્યારે અનેક નગરજનો, રાજવીઓ, રાજકુટુંબીઓ તેમની સાથે જાય છે, અને દેવો તથા નગરજનોથી ઉજવાતા દીક્ષા મહોત્સવને પ્રત્યક્ષ નિહાળે છે. તેમાંના કેટલાક જનો વૈરાગ્ય પામી પ્રભુ સાથે દીક્ષિત પણ થાય છે. આમ દેવો તથા નગરના જનો સાથે મળી પ્રભુનાં દીક્ષા કલ્યાણકને ઉજવે છે તથા શોભાવે છે.
દીક્ષા ગ્રહણના પ્રસંગે પ્રભુને સ્વપર કલ્યાણના ભાવ એવી ઉત્કૃષ્ટતાએ વર્તે છે કે તેમનું મન:પર્યવ જ્ઞાન ખીલીને ઉત્કૃષ્ટતા મેળવે છે. અને એ સમયે જગતના સર્વ જીવો એમના કલ્યાણભાવનું નિમિત્ત પામી, પરસ્પરની વૈરવૃત્તિનો ત્યાગ કરી એક સમય માટે શાતાનું વેદન કરે છે. તેની સાથે તેમના શુભ ઋણાનુબંધી થયેલા નિત્યનિગોદના જીવો પોતાનો પાંચમો ચકપ્રદેશ મેળવવા સદ્ભાગી થાય છે. તે જીવોનો જે જગ્યાએ પાંચમો પ્રદેશ ખૂલે છે તેના આધારે તેમનાં ભાવિના ઘડતરની મજબૂતાઈ નક્કી થાય છે.