________________
કેવળી પ્રભુનો સાથ
અર્થાત્ ચારે ગતિનાં જીવોને મોક્ષમાર્ગમાં આગળ વધવા પ્રતિબોધી શકશે. પ્રભુનું કાર્ય સૂર્ય જેવું જ રહેશે; તેઓ અન્ય અબુઝ જીવોને બુઝાવી પ્રકાશિત કરશે. સૂર્યનાં તેજ સામે અન્ય સર્વ પ્રકારનાં તેજ જેમ ઝાંખા લાગે છે તેમ આ પ્રતાપી તેજસ્વી પુત્ર સામે અન્ય સર્વ જીવો ઝાંખા જણાશે. વળી જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય એ આત્મશક્તિનું અને યશનું પ્રતિક ગણાય છે, એ જ રીતે પ્રભુ પણ જન્મ ધારણ કર્યા પછી એવા જ તેજસ્વી અને યશસ્વી રહેશે, એવું વર્તમાન ભવનું સૂચન આ સ્વપ્નથી વ્યક્ત થાય છે. ગર્ભમાં આવતાંની સાથે જ પ્રભુનાં યશ તથા કીર્તિ ચોમેર ફેલાવા લાગે છે. તેમના આવા પ્રભાવને કારણે જ ચોંસઠ ઇન્દ્રો અને અન્ય દેવો તેમનાં ગર્ભ કલ્યાણક તથા જન્મકલ્યાણકની ઉજવણી કરે છે.
જે સમયે માતાને સૂર્યનાં દર્શન થાય છે તે સમયે શકેંદ્રનું આસન ડોલે છે, અને તેમને પ્રભુનું ગર્ભકલ્યાણક ઉજવવાની આજ્ઞા થાય છે. તે પછીની લગભગ બે ઘડીમાં આ કલ્યાણકનો ઉત્સવ ઉજવાય છે.
આઠમું સ્વપ્ન ધર્મધજા ધર્મનું પ્રતિનિધિત્વ કરતી ધર્મધજા ખૂબ પવિત્ર ગણાય છે. આવી ધજા જેને પ્રાપ્ત થાય છે તે અવશ્ય કોઈ ને કોઈ રૂપે ધર્મનો ફેલાવો કરે છે, અથવા તો ધર્મની પ્રભાવના કરે છે; અને એ દ્વારા અન્ય જીવો પર ઉપકાર કરે છે. પ્રભુનાં માતા સ્વપ્નમાં એકલી ધજા જોતા નથી, પણ મંદિર પર ફરકતી ધજાનાં દર્શન કરે છે. આ સ્વપ્નનો અર્થ આ રીતે વિચારી શકાય.
મંદિર એ એવું પવિત્ર સ્થળ છે કે જ્યાં જગતજીવોનાં પાપ ધોવાય છે. જે પવિત્ર સ્થાનમાં જીવ પ્રભુ સમક્ષ પોતાના દોષો કબૂલી, પોતાને સુધારવાની વિનંતિ કરી, હળવો બની, સદાચારનો સ્વીકાર કરી સન્માગ બનતો જાય છે, પ્રભુના અવર્ણનીય ગુણો વિશે વિચારક બની, પોતાના દોષોથી છૂટતો જાય છે. જગતનાં કાવાદાવા, રાગદ્વેષ આદિથી છૂટા પડવા માટેની હિંમત તે અહીંથી મેળવતો જાય છે. આવા પવિત્ર થવા માટેના જે આચાર છે તેનું પ્રતિક ધજા છે. મંદિર પર ફરકતી ધજા