________________
શ્રી અરિહંતનો મહિમા
થકી શાંતિનું વદન થાય તેવી સમર્થતા તેનામાં પ્રગટ થવાની છે. આવનાર બાળક થકી તેના સંપર્કમાં આવનાર કોઈ પણ જીવને ઠંડકનો અનુભવ મળે એમ છે એવું સૂચન આ સ્વપ્નથી થાય છે.
બીજી અપેક્ષાએ વિચારીએ તો ચંદ્રને અમૃત વરસાવનાર ગણવામાં આવે છે. અમૃતપાનથી સહુ કોઈને શાતા અને શીતળતાનો અનુભવ થાય છે. તે રીતે જોતાં પ્રભુ ભાવિમાં અન્ય સહુ જીવો પર અમૃતમય વાણીની વર્ષા કરવાના છે; જેના થકી, જેનો આધાર લઈ એ જીવો ધારે તો સંસારનાં સર્વ દુઃખોનો પાર પામી શકે તેમ છે તે જણાય છે. આવી અમૃતમય શીતળ કરનારી વાણીનો ફેલાવો ચંદ્રની ચાંદનીની જેમ આખા જગત પર પક્ષપાતરહિત પણે થવાનો છે તેનું ગર્ભિત સૂચન પણ મળી જાય છે. પ્રભુના આત્માની સ્થિતિનો વિચાર કરીએ તો સમજાય છે કે પ્રભુ ગર્ભકાળથી જ સતત સુધારસનું વેદન કરતા હોય છે, અને તે અમૃતપાનના આધારથી ગર્ભકાળનાં અતિ ભયંકર કષ્ટ પણ સમભાવથી સભાનપણે વેદી નિવૃત્ત કરતા જતા હોય છે. આવા બળવાન સુધારસના વેદનને લીધે, તેમનો જન્મ થયા પછી જે કોઈ જીવ તેમનાં સંપર્કમાં અને સાનિધ્યમાં આવે તે શીતળતા અનુભવે અને પોતાનાં વિપરીત કર્મોદયને પણ સમતાથી સહી શકે. એમનાથી ફેલાતી આવી શીતલ રેલીના પ્રતિકરૂપે પ્રભુનાં માતાને પૂર્ણિમાના ચંદ્રના દર્શન થાય છે.
સાતમું સ્વપ્ન સૂર્ય સૂર્ય પોતાનાં તેજથી આખી પૃથ્વીને પ્રકાશિત કરે છે; અને તેનાં પ્રકાશમાં જગતનાં સર્વ પદાર્થો દશ્યમાન થાય છે. વળી, સૂર્ય એ જ્યોતિષિક દેવ છે. જેના આધારે ભૂત, વર્તમાન તથા ભાવિનું કેટલુંક જ્ઞાન મનુષ્ય મેળવી શકે છે. આવા પૂર્ણ પ્રકાશિત સૂર્યને કેવળજ્ઞાનનું પ્રતિક ગણવામાં આવે છે. જેમ સૂર્યના તેજથી સૃષ્ટિનાં સર્વ પદાર્થો ભાસ્યમાન થાય છે તેમ કેવળજ્ઞાનથી લોકાલોકના સર્વ પદાર્થો આત્મા જાણી શકે છે, જોઈ શકે છે.
આવા પૂર્ણ તેજસ્વી સૂર્યનાં જ્યારે દર્શન થાય છે, ત્યારે તેનાથી એમ સૂચવાય છે કે આવનાર બાળક વર્તમાન ભવમાં સૂર્ય જેવો પ્રકાશ મેળવી સર્વને પ્રકાશિત કરશે.
૪૯