________________
શ્રી અરિહંતનો મહિમા
શ્રી તીર્થંકર પ્રભુના કલ્યાણભાવનો, તેમણે કરેલા ઉપકારનો વિચાર કરીએ ત્યારે સહજ સવાલ ઊઠે છે કે તીર્થકર નામકર્મને લગતા પરમાણુઓ જીવ વહેલામાં વહેલા
ક્યારે ગ્રહણ કરી શકે? અનેક યોનિમાં રખડતો રઝળતો જીવ અમુક જાતના વિશિષ્ટ કલ્યાણભાવનું વેદન કરે છે ત્યારે ભાવિમાં તીર્થંકર નામકર્મ ઉપાર્જન થઈ શકે એ કોટિના કલ્યાણના કર્મપરમાણુઓ ગ્રહણ કરે છે. આવા કલ્યાણભાવના પરમાણુઓ જીવ અંતઃકોડાકોડી સાગરોપમ કાળ સુધી ગ્રહણ કરી શકે છે; અર્થાત્ તીર્થંકર નામકર્મ નિકાચીત કર્યા પહેલાં લગભગ એક ક્રોડાકોડી સાગરોપમ કાળે તે જીવ પહેલીવાર આવા કલ્યાણના ભાવ વેદી તેને લગતા પરમાણુઓ ગ્રહણ કરવાની શરૂઆત કરે છે. તીર્થકર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ સંખ્યાતગુણહીન અંતઃકોડાકોડી સાગરોપમની હોય છે. તેનો અબાધાકાળ અંતમુહૂર્તનો છે. આનો અર્થ એ થયો કે લગભગ અંત:કોડાકોડી સાગરોપમ પહેલાં જીવ આ પ્રકારના ભાવ કરવાની શરૂઆત કરે છે. તે પછી જ્યારે જ્યારે આ પ્રકારના કલ્યાણભાવ વેદાય ત્યારે ત્યારે તે પ્રકારનાં થોડાં વધારે પુગલ પરમાણુઓ જીવથી ગ્રહાય છે, અને સંગ્રહિત થયેલાં તે પરમાણુઓ જીવના આત્મપ્રદેશ પર નિષ્ક્રિય બની પડ્યા રહે છે. જ્યાં સુધી તીર્થકર નામકર્મ નિકાચીત ન થાય ત્યાં સુધી તે કર્મની અપવર્તના (સ્થિતિ તથા રસનું ઘટાડવું), ઉદ્વર્તન (સ્થિતિ તથા રસને વધારવા) તથા સંક્રમણ એટલે પરપ્રકૃતિમાં તે કર્મને પરિણમાવવું ઇત્યાદિ જીવના ભાવાનુસાર થતાં રહે છે. છેવટે એ કલ્યાણનાં પુદ્ગલ પરમાણુઓનો જથ્થો વધી જઈને તીર્થકર પ્રભુના તીર્થ પ્રવર્તન પહેલાનાં મનુષ્ય જન્મમાં એવી ઉત્કૃષ્ટતા ધારણ કરે છે કે તે કર્મ નિકાચીતપણું ધારણ કરે છે. આ કર્મ નિકાચીત થયા પછી અંતર્મુહૂર્ત કાળમાં જ તેનો અમુક અંશે ઉદય સંભવે છે. કારણ કે આ કર્મનો અબાધાકાળ અંતર્મુહૂર્ત માત્ર કહ્યો છે. જિન નામકર્મ બાંધ્યા પછી અંતર્મુહૂર્ત કાળે જેને તેનો પ્રદેશોદય થાય છે તેને બીજા જીવ કરતાં ઐશ્વર્ય આદિ ઋદ્ધિ વિશેષ પ્રમાણમાં હોય છે. પરંતુ આ નામકર્મનો મુખ્ય ઉદય તો તે પછીના મનુષ્ય જન્મમાં કેવળજ્ઞાન થયા પછી જ થાય છે.
૩૭