________________
કેવળી પ્રભુનો સાથ
શ્રી તીર્થકરનો જીવ પોતાની વર્તમાનમાં ખીલેલી આત્મિક શક્તિ કરતાં વધારે જવાબદારી લઈ સમસ્ત જીવો માટે કલ્યાણભાવ કરતો હોવાથી, તે માટેની પૂરી જાણકારી અને સમર્થતા ન આવે ત્યાં સુધી ઉપદેશકનું કાર્ય કરવાના સાહસથી દૂર રહે છે. પૂર્ણતા આવે તે પછી જ માર્ગ ઉપદેશકનું કાર્ય કરવું એવી દઢતા જન્મ પામી વધતી જાય છે. અને તે સહજપણે ખીલતી જાય છે, પરિણામે તેમને સંયમ સ્વાભાવિકતાથી જ વધતો જાય છે, જેનાં ફળરૂપે એ મહાન આત્માને ભાવિમાં અરિહંત પદ મેળવવાનું નામકર્મ બંધાય છે. આ પ્રમાણે છઠ્ઠા ગુણસ્થાને તે આત્મા અનેક ભેદો, રહસ્યો અને શાસ્ત્રોના પારગામી બની, પોતામાં રહેલો જીવ સમસ્ત માટેનો કલ્યાણભાવ સાકાર થાય એવી આંતરિક પ્રાર્થના સેવતો જાય છે. તેના મનમાં એવી ભાવના રહે છે કે, –
“હે ભગવાન! હે પરમાત્મા! આ સંસારમાં મિથ્યાત્વ અને મોહરૂપી ચોર આત્માના મૂળભૂત ગુણોને લૂંટી રહ્યા છે. અને તેને શુક્લભાવથી વંચિત રાખી રહ્યા છે. હે પ્રભુ! તમારા અસંખ્ય શુધ્ધ પ્રદેશ પરથી વહેતા કલ્યાણના પરમાણુઓ, અમારા જેવાં સુખ, શાંતિની લાગણી મેળવવા માટે વલખાં મારતાં જીવો માટે સૂકાં રણમાં મળેલી મીઠી વીરડી સમાન છે. તે પરમાણુઓમાં તમે સેવેલા કલ્યાણભાવની અલૌકિક ઠંડક ભરેલી છે. તેનો અનુભવ અમને સતત મળતો રહો, અને આ સંસારસમુદ્રમાં કર્મનું શોષણ કરવામાં વડવાનલરૂપ બની રહો એ જ પ્રાર્થના છે. હે જિન! આ અલૌકિક ચમત્કારનો અનુભવ સર્વ જીવોને થાઓ.” “માર્ગદર્શક પરમાત્મા! આ સંસારરૂપી મહાસમુદ્રમાં અમને કમળની જેમ નિર્લેપ રહેતાં શીખવો. જો કે આ અનુભવ આપની કૃપાથી બધા જ જીવોમાં સમાયેલો છે. અસંખ્ય અશુધ્ધ આત્મપ્રદેશોમાં આઠ શુધ્ધ પ્રદેશો પોતાનું શુદ્ધપણું – નિરાવરણપણે કોઈ પણ કાળ, કોઈ પણ ક્ષેત્ર અને કોઈ પણ સંજોગમાં જાળવી રાખે છે. અને પ્રસંગ મળે અશુધ્ધ પ્રદેશોને શુધ્ધ થવાનું આહાહન(આમંત્રણ) પણ આપે છે. તે પ્રદેશો ક્યારેય પણ પોતાની અલૌકિકતા છોડતાં નથી, માટે તે સિદ્ધ પ્રભુ! આ અલૌકિકતા
૩)