________________
શ્રી અરિહંતનો મહિમા
કૃપાથી તેમનું માર્ગનું જાણપણું ઘણી ઘણી વિશેષતાએ પ્રગટતું જાય છે, તેમને બાહ્યથી સદ્ગુરુનાં અવલંબનની ખાસ જરૂર રહેતી ન હોવાને કારણે મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવો કેટલો સહેલો છે, તે માર્ગ કેવો સુંદર છે, કેટલો બધો હિતકારી છે તે સર્વ વિશેની માહિતી તેમની પાસે સહેલાઈથી અને સહજતાથી આવતી જાય છે. તેમની પાસે માર્ગનાં ઊંડાણભર્યા રહસ્યો એક પછી એક ખૂલતાં જતાં હોવાથી, તેની અભુતતા તેમને સતત અનુભવાતી હોવાથી, સહુ જીવો આ મહામાર્ગને પામે, આ માર્ગે આગળ વધી આત્માનું કલ્યાણ કરે અને શાશ્વત સુખને મેળવી અનંત સુખમાં સદાકાળને માટે બિરાજમાન થાય એવા ભાવો તેમનામાં પ્રગટ સ્વરૂપ ધારણ કરવા લાગે છે. જેમ જેમ તેઓ આ ભાવમાં વધુ ને વધુ રમમાણ થતા જાય છે તેમ તેમ તેમના આ ભાવો વધારે ને વધારે ઘેરા તથા ઊંડા બનતા જાય છે. આમ છતાં કેવળજ્ઞાન પ્રગટ્યું ન હોવાને કારણે તેમને પોતાની અપૂર્ણતા માર્ગ પ્રકાશવામાં વિઘ્નરૂપ લાગતી હોવાથી તે પ્રભુ છદ્મસ્થ દશામાં માર્ગ પ્રકાશક બનવાના અને કલ્યાણના કર્તા બનવાના ભાવથી દૂર રહે છે. આપણને સામાન્યપણે તો એવું જોવા મળે છે કે જીવને માર્ગને લગતી થોડી પણ જાણકારી આવે તો તરત જ તે જીવ તેનું પ્રદર્શન કરવા ઉત્સુક થતો હોય છે, માર્ગપ્રકાશક થવાના પ્રયત્નો પણ કરે છે, અને તેમાંથી નીપજતા માન આદિ કષાયભાવમાં રાચતો થઈ જાય છે. પોતાનાં માનપૂજાદિના ભાવને પોષવા, યશકીર્તિ મેળવવા તે પુરુષાર્થી થઈ જાય છે, આ યશકીર્તિ તથા માનની ભૂખ તેને ગેરમાર્ગે દોરી તેના આત્મવિકાસમાં એક મોટું વિઘ્ન ઉત્પન્ન કરે છે. આવા જીવોનો કલ્યાણભાવ અલ્પ સંખ્યાની વ્યક્તિઓ માટે, જીવોનાં નાનાં વર્તુળ માટે વર્તતો હોવાથી પોતાને મળેલી અલ્પ જાણકારી પણ તેને પૂરતી લાગે છે, અને તેથી તે જીવ ઉત્સાહી બની સામાન્ય જાણકારીએ પણ તે માર્ગનો ઉપદેશક બની બેસે છે. પરિણામે જ્યારે અધૂરી જાણકારીને લીધે તે ગેરમાર્ગે દોરાય ત્યારે અન્ય જીવોને પણ ખોટા રવાડે ચડાવી દે છે. જો આમ થાય તો તે જીવ પોતાના શિષ્યોને અમુક કક્ષાથી વધારે વિકાસ કરાવી શકતો નથી. પરિણામે તે શિષ્યોએ પોતાના વિકાસ માટે અન્ય પર આધારિત થવું પડે છે. આમ અધૂરો ઘડો છલકાય એવી સ્થિતિ ન થાય તે માટે તીર્થંકર પ્રભુનો જીવ પહેલેથી જ ખૂબ સાવચેત રહેતાં શીખી જાય છે.