________________
કેવળી પ્રભુનો સાથ
વળી, જે જીવો છદ્મસ્થ અવસ્થામાં ખૂબ ખૂબ મંદ પુરુષાર્થી હોય છે તેઓ નપુંસકવેદે સિદ્ધ થાય છે. અને તેમના નિમિત્તે ઇતર નિગોદમાં આવનાર જીવ એટલો બધો હીનવીર્ય થાય છે કે તે ક્યારેય પણ સંસારથી છૂટવાના ભાવ અને પુરુષાર્થ કરી શકતો નથી, પરિણામે તે જીવ નિત્યનો અભવી થાય છે. આવા જીવો માત્ર અપવાદરૂપ જ હોય છે.
સર્વોત્તમ એવા શ્રી તીર્થંકર પ્રભુમાં આવું સમર્થ પ્રભુત્વ અને પ્રભાવ તેમના કયા ભાવો અને કાર્યોને આધારે ઘડાય છે તેની વિચારણા આપણા આત્મિક વિકાસ માટે ખૂબ ઉપકારી થાય છે. શ્રી તીર્થંકર ભગવાનનો આત્મા તેમનાં છેલ્લાં આવર્તનમાં આવે છે ત્યારે તેમના શુભ ભાવોની વૃદ્ધિ સહજપણે થતી જ જાય છે, કારણ કે તેમનાં સંસારનાં પરિભ્રમણની શરૂઆત એક સિદ્ધ થતા તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી થઈ હોય છે,અને તે પ્રભુ દ્વારા આ જીવમાં વીર્ય પૂરાયું હોય છે. એમાં પણ જ્યારે તેમને સંજ્ઞીપંચેન્દ્રિયપણાના ભવો આવે છે ત્યારે એમનો પુરુષાર્થ અન્ય જીવો કરતાં વિશેષતા પકડે છે. તેમનો આત્મા છેલ્લા ૨૫૦ ભવથી પોતાનો કલ્યાણભાવ વધારતો જતો હોય છે. વળી, જેમનાં નિમિત્તથી તેમનો આત્મા દુ:ખ પામતો હોય તેવા જીવ માટે પણ તેઓ અવ્યક્તપણે શુભભાવ વેદી, પોતાના કલ્યાણભાવને વિસ્તૃત કરતા જાય છે. અશુભ ઋણાનુબંધવાળા જીવ માટે જે શુભભાવ કેળવવા માટે પ્રયત્નવાન બને છે તે જીવ શુભ ઋણાનુબંધવાળા જીવો સાથે સહેલાઈથી શુભભાવ વધારી શકે તે સમજી શકાય તેવું છે. આ રીતે તે જીવ છેવટના ૨૫૦ ભવમાં જગતજીવો માટેના શુભભાવમાં વધારો કરતો જ રહે છે. આમ કરતાં કરતાં અંતિમ પચ્ચીસથી ત્રીસ ભવમાં કલ્યાણના ભાવ બળવાનપણે કરવાની સાથે સાથે તેઓ પોતાનો આત્માર્થે પુરુષાર્થ પણ વિકસાવતા જાય છે. અપકાર કરનાર જીવો માટે પણ તેઓ સુખ, શાંતિ તથા સમતાનું વેદન પામે તેવા ભાવ પ્રભુનો જીવ પાછળના ભવોમાં નિસ્વાર્થપણે કરતો થાય છે. પોતે દુ:ખમાં હોય છતાં અન્ય જીવો સુખ પામે એ ભાવ સહજતાએ કરવા સુધીની હદે તેઓ જાય છે. આ સ્થિતિ આ જગતમાં જોવા મળતી અપવાદરૂપ સ્થિતિ છે.
૨૪