________________
આણાએ ધમ્મો, આણાએ તવો
સં. ૧૯૫૫માં તેમને ધારી નિવૃત્તિ મળી, વેપારાદિથી તેઓ સર્વથા નિવૃત્ત થયા. સ્ત્રી, લક્ષ્મી વગેરેનો ત્યાગ કર્યો, અને તેમણે ઉપર જણાવેલી પ્રક્રિયા વિશેષ વેગથી કરવી શરૂ કરી. પરિણામે કોઈ પણ ઉદય વેદતાં તેમનો આત્મા શાંતિ તથા પ્રસન્નતા વેદતો જ રહે એવી સ્થિતિ સર્જાઈ. આ પ્રકારે વર્તવાથી તેમનાં અસંગતા અને સ્થિતપ્રજ્ઞતા સં. ૧૯૫૬માં ઉત્કૃષ્ટતાએ પહોંચ્યાં. તે સાથે જ્ઞાન તથા દર્શનનો તેમનો ક્ષયોપશમ ખૂબ વધ્યો. તેમણે મુનિશ્રી લલ્લુજીને સં. ૧૯૫૬માં લખ્યું હતું કે, “એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઇ તેમાં ઉપયોગ ફરી વળે છે.” (વૈશાખ સુદ ૬, ૧૯૫૬. આંક ૯૧૭).
“અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે, કુંભક, રેચક પાંચે વાયુ સર્વોત્તમ ગતિને આરોગ્યબળ સહિત આપે છે.” (જેઠ વદ ૦)), ૧૯૫૬. આંક ૮૩૩).
આ વચનો પરથી આજ્ઞામાર્ગે આરાધન કરી તેમણે મેળવેલાં અગાધ જ્ઞાન અને અપૂર્વ શાંતિનો ખ્યાલ આપણને આવે છે. આ કાળ દરમ્યાન તેઓ નિવૃત્તિ અર્થે ગુજરાતનાં ગામોમાં વિચરતા હતા ત્યારે જનસમૂહને આત્માર્થે ઉપદેશ આપતા હતા. તેમાં પણ વારંવાર તેઓ આજ્ઞાનું અને આજ્ઞાપાલનનું મહત્ત્વ સમજાવતા હતા અને લોકોને આ ટૂંકા માર્ગે આરાધન કરી સ્વરૂપસિદ્ધિ પામવા પ્રોત્સાહિત કરતા હતા, તે આપણને તેમના ઉપદેશની લેવાયેલી નોંધો – ઉપદેશ નોંધ, ઉપદેશ છાયા, વ્યાખ્યાનસાર આદિમાંથી જાણવા મળે છે.
“જ્ઞાનીને ઓળખો, ઓળખીને તેમની આજ્ઞા આરાધો. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે.” (ઉપદેશ નોંધ ૧૬, કાર્તક વદ ૧૧, ૧૯૫૬. પૃ ૬૬૯).
“સદ્ગુરુની આજ્ઞા વિના શ્વાસોશ્વાસની ક્રિયા સિવાય બીજું કંઈ કરવું નહિ.” (ઉપદેશ છાયા. ૫. ભાદરવા સુદ ૬ , ૧૯૫૨. પૃ. ૬૯૬).
૪૨૩