________________
કેવળી પ્રભુનો સાથ
પર ઉપસાવે છે. જે તેમની વિકસેલી વીતરાગતાનો આપણને પરિચય કરાવે છે. તેઓ તેમના પરમાર્થના પરમ હૃદયસખા શ્રી સૌભાગભાઈનો વિયોગ પણ નિસ્પૃહભાવથી સ્વીકારી લે છે, તેમનું આવું સમતાભર્યું અલૌકિક વર્તન અભુત કહી શકાય.
કેળવાયેલી વીતરાગતા અને નિસ્પૃહતાને લીધે આત્માની કેવી ઉત્તમ શાંતદશા તેમણે ઇચ્છી છે, તે આદર્શ તેમણે સં. ૧૯૫૪ના આસો માસમાં એક પત્રમાં લખ્યો હતો. (આંક ૮૫૦).
“મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય.” “મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃધ્ધ મૃગ જેનાં માથામાં ખુજલી આવતી હોય તે આ શરીરને જડપદાર્થ જાણી પોતાનું માથું ખુજલી મટાડવા આ શરીરને ઘસે.”
પોતાના આત્માને પૂર્ણ વીતરાગતા પમાડવા માટે તેઓ દૃઢ નિશ્ચયી બન્યા હતા. તેથી તેમના પુરુષાર્થમાં ધર્મધ્યાન તથા શુકુલધ્યાનની આરાધના મુખ્ય હતી, સાથે સાથે સંસારના સુખને ભોગવવાની બુદ્ધિ રહી નહોતી, સંસાર સુખનો પણ નકાર વર્તતો હતો. તેથી શુકુલધ્યાનમાંથી બહાર નીકળ્યા પછી પણ તેમના આત્મામાં સંસારી અભિલાષા જન્મતી ન હતી, પ્રવૃત્તિ કરતાં ઉદયાધીન રહી નિસ્પૃહતાથી વર્તતા હતા. આ સ્થિતિ તેમનું સૂક્ષ્મતાએ રહેલું આજ્ઞાધીનપણું સમજાવે છે. આ વર્તનાને લીધે તેમને શુકુલધ્યાનના કાળ દરમ્યાન પરમાર્થપુણ્યરૂપ શાતાવેદનીય કર્મ બંધાતાં હતાં. અને ધર્મધ્યાનના સામાન્ય કાળમાં જે શાતાવેદનીયના બંધ થતા તે વ્યવહારના પ્રકારના શુભ બંધ રહેતા, તેમના સંસારના બળવાન નકારને કારણે આવા શુભ શાતાવેદનીય કર્મ તેઓ શુકુલધ્યાનમાં જાય ત્યારે બળી જતાં હતાં. આમ વ્યવહારનાં પુણ્ય કર્મ અને પૂર્વ નિબંધિત પાપ કર્મ શુકુલધ્યાનમાં પ્રદેશોદયથી વેદાઈને ખરી જતાં હતાં. આ રીતે તેમનાં બળવાન આજ્ઞાપાલનને કારણે સંગ્રહિત કર્મનો જથ્થો બેવડી રીતે ક્ષીણ થતો જતો હતો; સાથે નવા બંધનો ઓછાં ને ઓછાં થતાં જતાં હતાં.
૪૨૨