________________
કેવળી પ્રભુનો સાથ
અંતવૃત્તિસ્પર્શ કરતી વખતે, નિશ્ચયથી વ્યવહાર સમકિત પામતી વખતે, ક્ષયોપશમ અને ક્ષાયિક સમકિત લેતી વખતે, છઠ્ઠા ગુણસ્થાનનો સ્પર્શ કરતી વખતે, સાતમા ગુણસ્થાને આવતી વખતે ઇત્યાદિ આત્મવિકાસના પ્રત્યેક પગથિયે તે જીવ વેદાંતી કે અન્યલિંગી રહ્યો હોય છે. અન્ય ધર્મનાં આચરણના પ્રભાવથી તેની સંસારસુખની સ્પૃહા પણ સાથે સાથે બળવાન રહેતી હોવાને કારણે તેનું ભોગાવલિ કર્મ જોરદાર થાય છે. પરિણામે તે જીવ ભાગ્યે જ જૈનધર્મી ચારિત્રવાન મુનિ થાય છે. જ્યારે તેને મુક્તિ સમીપમાં આવે ત્યારે જ તે જૈનધર્મનો પ્રેમી બની શ્રેણિ માંડે છે. અને ક્યારેક તો વ્યવહારથી એ ધર્મ ગ્રહણ કરવાનો અવકાશ પણ ન રહે તો અન્યલિંગ બાહ્યથી આરાધક રહે, અને અંતરંગથી જૈનમાર્ગનું અનુસરણ કરી પૂર્ણતા પ્રગટાવે એમ પણ બને છે. ભોગાવલિ કર્મના જોરને કારણે તે દિગંબર મુનિ થઈ શકતો નથી.
આ પ્રકારના સિદ્ધ અન્ય સર્વ કાળની અપેક્ષાએ હીનકાળમાં વિશેષ થાય છે. તેઓ અન્યલિંગ સિદ્ધા તરીકે ખ્યાતિ મેળવે છે. ભારત તથા ઐરાવત ક્ષેત્રમાંથી થતા આ પ્રકારના સિદ્ધના આંકડાઓ જો જ્ઞાનથી મેળવવામાં આવે તો જરૂર જણાય કે પૂર્વના કાળચક્ર કરતાં આ વખતના સુંડાવસર્પિણી કાળમાં લગભગ બમણા સિદ્ધ આ પ્રકારથી થયા છે.
૯. પ્રત્યેકબુદ્ધ સિદ્ધા જે જીવોએ છેલ્લા સંક્ષીપંચેન્દ્રિયપણામાં ઘણા ભવો સુધી સંસારની અનિત્યતા અને અશરણતાની ભાવનાનો આધાર લઈ જૈનધર્મની આરાધના કરી હોય; છેવટના પચ્ચીસ ભવોમાં તેને કોઈ ને કોઈ પ્રકારથી ગુરુપદ પ્રાપ્ત થયું હોય, અને અંતમાં અનિત્યાદિ ભાવનાના સથવારે દીક્ષા ગ્રહણ કરી ઘણા સમય સુધી મૌનપણું ધારણ કરી, અંતિમ પુરુષાર્થ કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી હોય તે જીવો પ્રત્યેકબુદ્ધ સિદ્ધા’ના પ્રકારમાં આવે છે. તેઓ સામાન્યપણે બાહ્યથી અન્યનું અવલંબન મુખ્યતાએ લેતા નથી. અન્ય વિશે જોઈ જાણી, તેનો સાર ગ્રહણ કરી પોતાનો વિકાસ સાધતા જાય છે, તેઓ પ્રત્યેકબુદ્ધ સિદ્ધ થાય છે.
૧૮