________________
કેવળી પ્રભુનો સાથ
“જણાવ્યા જેવું તો મન છે, કે જે સત્સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે.” (ભાદરવા વદ ૧૨, ૧૯૪૭. આંક ૨૮૦).
આ વર્ષમાં તેમને પરમાર્થની અને સંસારની એમ બંને પ્રકારની ખૂબ સાનુકૂળતા હતી. આથી આત્મવિકાસ ઘણો અને ઝડપથી થયો હતો. આ વર્ષે તેમને મૂળમાર્ગની યથાર્થ શ્રદ્ધા અને અનુભૂતિ મળ્યાં હતાં. આવી સાનુકૂળ સ્થિતિ જો ચાલુ રહી હોત તો તેમનો આત્મવિકાસ વધારે સુંદર અને વધારે ઝડપી થયો હોત એવી કલ્પના આપણને જરૂર આવે. પરંતુ તેમણે તો પ્રતિકૂળ સંજોગોનો પણ એવો જ ઉપયોગ કરી, પોતે ધારેલી સફળતા પ્રાપ્ત કરી હતી. અને તે દ્વારા સંસારી જીવનમાં રહેતાં રહેતાં, પ્રતિકૂળ સંજોગોમાં પણ આત્મવિકાસ કેવી રીતે જાળવી રાખવો તેનું ઉત્તમ ઉદાહરણ જગતજીવોને પૂરું પાડયું હતું. અને જે ટૂંકામાં ટૂંકો અને સરળમાં સરળ આજ્ઞામાર્ગ છે, તે માર્ગે ચાલીને કેવી ઉત્તમ આત્મશુદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે તેની ચાવી સહુને પ્રત્યક્ષ કરાવી દીઘી હતી. તેમને કલ્યાણમાર્ગે દોડવાની દોરી કેવી સરસ રીતે મળી ગઈ હતી તેનું પ્રત્યક્ષપણું આ વર્ષ પછીનાં વર્ષોમાં લખાયેલા તેમના પત્રો પરથી આપણને આવે છે.
સં. ૧૯૪૮ ની સાલથી તેમનાં કર્મોએ નવો વળાંક લીધો. તેઓ જેમ જેમ સંસારથી છૂટવાના પ્રયત્નો કરતા ગયા તેમ તેમ નવી નવી ઉપાધિઓ તેમને ભીડતી ગઈ, તે એટલે સુધી કે પોતાથી ક્યારેક આત્માર્થ ચૂકાઈ જશે એવો ભય પણ તેમને વ્યાપી જતો હતો. આવી સંકટમય સ્થિતિ લગભગ સં. ૧૯૫૧ સુધી ચાલી. તે સંકટની સ્થિતિમાં તેઓ બધાં સંકટોનો સામનો કરી, કર્મને હરાવી પાર ઊતર્યા. તેમની કર્મો સામેની લડતની જીત એ તેમનાં જીવનનો ત્રીજો તબક્કો હતો. તેમાં તેમણે બાહ્ય ગુહસ્થશ્રેણિ અને અંતરંગની નિગ્રંથશ્રેણિના દ્વંદ્વમાં એકેને નમતું આપ્યા વિના, પોતાના પુરુષાર્થના જોરે પ્રભુની આજ્ઞાએ ચાલી, આત્માનો વિકાસ જારી રાખ્યો હતો. સં. ૧૯૪૮માં તેમનો વેપાર વધ્યો, સંસારી જવાબદારીઓ વધી, સત્સંગની ખામી સતત વર્તાતી હતી, તેમ છતાં તેમના આત્મવિકાસમાં કોઈ પ્રકારની રુકાવટ થઈ હોય એવું જોવા મળતું નથી. તેમણે સંસારમાં પોતાને પ્રવર્તતી પ્રતિકૂળતાઓનો લાભ લઈ, રહ્યોસહ્યો
૪૧૨