________________
આણાએ ધમ્મો, આણાએ તવો
તેમનાં આવાં બધાં વચનો પરથી સ્પષ્ટ થાય છે કે તેમને કેટલા પ્રમાણમાં જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધ્યો હતો. સામાન્યપણે ક્ષાયિક સમકિત લીધા પછી જીવ સ્થૂળ રીતે આજ્ઞાધીન રહેવાની શરૂઆત કરે છે, તેથી શ્રી પ્રભુ તથા ગુરુ પ્રતિની ભક્તિ વિશેષ અહોભાવવાળી અને ઊંડી થાય છે. ગુરુમાં રહેલી સમપરિણતિની સમજણ તેને આવતી જાય છે, તેથી તે જીવ પણ સમપરિણતિ રાખવા પ્રયત્નવાન થતો જાય છે. પરિણામે તેની કર્મનિર્જરા વધતી જાય છે, રાગદ્વેષ મંદ બને છે અને પૂર્વકૃત દોષોનો અંતરથી પશ્ચાત્તાપ કરતાં શીખે છે. સાથે સાથે પ્રભુ તેમજ ગુરુ પ્રતિ વધતા શ્રધ્ધાનને કારણે ઉદિત થતાં કર્મો પ્રતિ તે નિસ્પૃહ થતાં શીખે છે. પ્રભુ બધું સંભાળી લેશે એવી ભાવનાનો આશ્રય કરી ઉદિત કર્મો માટે નિસ્પૃહ રહી, પોતાના આત્માને તે પ્રત્યાઘાતરહિત કરતો જાય છે. પ્રભુ પ્રતિના આવા અપ્રતિમ વિશ્વાસથી તે સ્વચ્છેદનો ત્યાગ કરી, પોતાનાં મન, વચન તથા કાયા ગુરુને સોંપી દે છે; અર્પણ કરે છે અને તે પછીથી તે પોતાની મતિથી નહિ પણ ગુરુની મતિથી વર્તવા કટિબધ્ધ થાય છે. આ પ્રકારે શિષ્યની ગુરુ પ્રતિની આજ્ઞાધીનતા વધતી જાય છે. શિષ્યને ગુરુની આજ્ઞામાં રહેવાનો હકાર જેટલો વિશેષ તેટલો વિશેષ શૂન્યતાનો અનુભવ થતો હોય છે. પરિણામે પૂર્વકર્મની નિર્જરા વધે છે, આશ્રવ ઘટે છે અને આત્મચારિત્રની ખીલવણી થતી જાય છે. જીવના આત્મપ્રદેશો પરથી આ રીતે કર્મનો જથ્થો ક્ષીણ થતો જતો હોવાથી આત્મા પોતાના મૂળભૂત શાંત સ્વભાવનો ભોક્તા થતો જાય છે. શ્રી કૃપાળુદેવના સંબંધમાં આ પ્રક્રિયા ખૂબ ઝડપથી થઈ હતી. સંસારથી છૂટવાનો તેમનો આંતરવેગ એવો પ્રબળ હતો કે ખૂબ નાના કાળમાં તેઓ છઠ્ઠા ગુણસ્થાનને સ્પર્શી શક્યા હતા.
“એક બાજુથી પરમાર્થ માર્ગ ત્વરાથી પ્રકાશવા ઇચ્છા છે. અને એક બાજુથી અલખ ‘લે' માં સમાઈ જવું એમ રહે છે. અલખ “લે' માં આત્માએ કરી સમાવેશ થયો છે, યોગે કરીને કરવો એ એક રટણ છે ..... અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે.” (કાર્તક વદ ૯, ૧૯૪૭. આંક ૧૭૬)
૪૦૯