________________
કેવળી પ્રભુનો સાથ
આદરેલા આવા આરાધનનું યથાયોગ્ય પરિણામ આવ્યું. તેમનાં જીવનના વિકાસનો ત્રીજો તબક્કો શરૂ થયો. સં. ૧૯૪૭ ની કાર્તકી પૂનમ પહેલાં તેમને ક્ષાયિક સમકિત પ્રાપ્ત થયું. એટલે કે ત્રેવીસમા વર્ષના અંતભાગમાં તેમના આત્મા પરથી મિથ્યાત્વ સદાયને માટે વિદાય થયું. મિથ્યાત્વ જવાથી આત્માની સમ્યક્દષ્ટિ વિશેષતાએ ખીલી. શ્રી પ્રભુ પ્રતિના પ્રેમભાવ અને અહોભાવમાં ભરતી આવી. પ્રભુની કૃપાથી તેમની આજ્ઞાએ ચાલી કેવળજ્ઞાન સુધીનો પુરુષાર્થ વર્તમાન ભવમાં જ કરી લેવા તેઓ ઉત્સુક થયા.
“આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે, ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે માટે દૃઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કહેવો – પરમાર્થ પ્રકાશવો – ત્યાં સુધી નહિ.” ( કાર્તક સુદ ૧૪, ૧૯૪૭. આંક ૧૭૦)
“ઓગણીસસેને સુડતાલીસે સમકિત શુધ્ધ પ્રકાશ્યું રે.”
ધન્ય.
આ વચનોમાં તેમણે પ્રાપ્ત કરેલા ક્ષાયિક સમકિતનો અને પ્રભુની આજ્ઞાએ ચાલી માર્ગ પ્રકાશવાનો દૃઢ નિર્ણય જોવા મળે છે. મળેલી આવી સફળતાને કારણે તેમને મોક્ષમાર્ગની જે ઊંડાણભરી જાણકારી મળતી હતી તેનો સદુપયોગ કરી તેઓ પોતાના સ્વચ્છંદને તોડતા ગયા અને આજ્ઞાનું આરાધન વિશેષતાએ કરતા ગયા હતા. તેથી તેમને જણાયું હતું કે, –
=
“સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહિ. સૂત્ર અને તેનાં પડખાં બધાય જણાયાં છે.” (કાર્તક સુદ ૧૪, ૧૯૪૭. આંક ૧૭૦).
“જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થતાવાળો પુરુષ બીજો શોધવો નહિ પડે. એમાં કોઈ રીતની પોતાની સ્તુતિ કરી નથી.”
(કારતક વદ ૩, ૧૯૪૭. આંક ૧૭૩)
૪૦૮