________________
કેવળી પ્રભુનો સાથ
આ માર્ગે આગળ વધનાર જીવોને પોતાના સદ્ગથી શરૂ કરી, સર્વ સિદ્ધ ભગવંત, અરિહંત પ્રભુ, આચાર્યજી, ઉપાધ્યાયજી અને સર્વ સાધુસાધ્વી પ્રત્યે અંતરંગથી સમાન કક્ષાનાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા વેદાય છે. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતોએ કરેલા ઉપકાર માટે બળવાન આભારની લાગણી તેમનાં હૃદયમાં રમતી રહે છે. સાથે સાથે આ ઉપકારનો નિર્મળ પ્રતિઉપકાર કરવાની જે ભાવના તેમનામાં ખીલે છે તેનાં ફળરૂપે તેમને જગતનાં જીવો પ્રતિ સમદશીપણું આવે છે. પોતાને જે પરમેષ્ટિની નિષ્કારણ કરુણાથી મળ્યું છે, તેવું અન્યને નિષ્કારણ કરુણાથી આપવાની પ્રેરણા તેમને ચડતા ક્રમમાં મળતી જાય છે. આ પ્રકારે આજ્ઞામાં રહેનાર અને ચાલનાર જીવને તેની આત્મદશા હોય તેના કરતાં સ્વચ્છંદની અલ્પતા રહે છે. બીજી રીતે કહીએ તો એ જીવમાં તેની કક્ષા કરતાં વિશેષ પ્રમાણમાં સ્વચ્છેદ દબાયેલો રહે છે. પરિણામે તેનું આંતરચારિત્ર જલદીથી ખીલે છે, તેનું પાંચ મહાવ્રતોનું ભાવથી પાલન વહેલું શરૂ થાય છે. તેનામાં પ્રભુ પ્રતિ બળવાન ભક્તિયોગ જાગ્યો હોવાથી તેને અંતરંગથી સંસાર પ્રત્યે પરમ ઉદાસપણું આવે છે, તેના અનુસંધાનમાં વીતરાગતા અને પરમ વીતરાગતા યથાયોગ્યપણે ખીલતાં જાય છે. પરિણામે તેને કષાયની ખૂબ મંદતા આવે છે. તેમને બોધસ્વરૂપથી આરંભી યોગીંદ્ર સ્વરૂપનો અને મહાયોગીંદ્રપણાનો અનુભવ પણ થાય છે. મધ્યમથી શરૂ કરી ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું ખીલે છે. તેવા જીવોને આજ્ઞાચક્રની ઉપરના ભાગમાં ૐ ધ્વનિ વેદાય છે, સાથે સાથે તેઓ સુધારસમાં તરબોળ પણ થાય છે. આમ અનેક પ્રકારે તે જીવ આજ્ઞાનું મહાભ્ય અનુભવી, આજ્ઞામાં વિશેષ સ્થિર થાય છે.
શ્રી તીર્થકર ભગવાન સ્વયંબુદ્ધ હોવા છતાં આજ્ઞામાર્ગની આ જ પ્રક્રિયામાંથી મુખ્યત્વે પસાર થઈને પૂર્ણ થાય છે. વળી તેમનામાં, પૂર્વનાં મનુષ્ય જન્મમાં પણ ઉપર જણાવેલાં લક્ષણો તથા ગુણો પ્રગટપણે જોવાં મળતાં હોય છે. આ રીતે તેમનું બળવાન આજ્ઞાધીનપણું આરાધાય છે. આજ્ઞારાધનની આ પ્રક્રિયા તેમની બાબતમાં કેવળજ્ઞાન લીધાં પછી પણ મંદ થતી નથી, આજ્ઞાનાં આરાધનનું અદ્ભુત મહાભ્ય સૂચવતી વર્તના તેમના તરફથી થયા જ કરતી હોય છે.
૩૯૨