________________
આણાએ ધમ્મો, આણાએ તવો
જીવને અવ્યક્તપણે શ્રી પુરુષનો ગમો શરૂ થાય, અગમ્ય રીતે સંસારથી છૂટવાના ભાવ અંતરંગમાં આવે અને એવા સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં જો જીવને શ્રી તીર્થકર પ્રભુની વાણી સાંભળતાં એક સમય માટે મિથ્યાત્વનો ઉદય તથા મિથ્યાત્વનો નવીન બંધ ન થાય તો તે સમયે તેનો અંતવૃત્તિસ્પર્શ થવાથી તેનું અભવીપણું ટળી જાય છે અને ભવીપણું સિદ્ધ થાય છે. આવા અંતવૃત્તિસ્પર્શથી તેના આંતરિક મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. આ સમયે તેને અપ્રગટ રીતે શ્રી તીર્થંકર પ્રભુનું શ્રદ્ધાન થાય છે, પ્રભુ સાચા છે તેવો હકાર તેનો આત્મા વેદે છે, અને ત્યારથી તે જીવની આજ્ઞામાં રહેવાની ભાવના જન્મ પામે છે. જે સમયે તે જીવ મિથ્યાત્વના બંધથી પર બને છે તે સમયે તેનો શ્રી પ્રભુની આજ્ઞામાં વ્યતીત થયો હોય છે. આ જીવનાં ગુણની ખીલવણી શરૂ થઈ જાય છે. આવા સર્વ જીવો પહેલા ગુણસ્થાને રહ્યા હોય છે.
તે પછીથી વિકાસ કરતાં કરતાં તે જીવ વધારે કાળ માટે મિથ્યાત્વને દબાવી શકે છે; તેને સત્પુરુષનું પ્રગટ શ્રદ્ધાન થાય છે, તેમનો ઉપદેશ તેને પ્રમાણભૂત તથા યોગ્ય લાગે છે, અને તેમના આશ્રયે પુરુષાર્થ કરવાનો તે જીવ આરંભ કરે છે. આ પુરુષાર્થથી તે અમુક કાળ સુધી શાંત અને શૂન્ય રહેતા શીખે છે; જેમાં તે દેહ તથા ઈન્દ્રિયોથી અલિપ્ત થઈ ગયો હોય છે. જેટલા કાળ માટે તે જીવ દેહ અને ઈન્દ્રિયોથી પર બની સ્વરૂપમાં લીન થાય છે તેટલા કાળ માટે તે જીવ ચોથા ગુણસ્થાને રહે છે. મિથ્યાત્વનો ઉદય આવવાથી તે શૂન્યતાની બહાર નીકળી પહેલા ગુણસ્થાને ઊતરી આવે છે. પહેલેથી ચોથા ગુણસ્થાને જતી વખતે અને ચોથાથી પહેલા ગુણસ્થાને ઉતરતી વખતે, વચમાંની સ્થિતિમાં તે આત્માનાં અસ્તિત્વ આદિ પદ બાબત દ્વિધાવાળી સ્થિતિમાંથી પસાર થાય છે. આ સ્થિતિમાં આત્માનાં અસ્તિત્વ આદિનો પૂરો હકાર કે નકાર કંઈ હોતું નથી, તે બે વચ્ચે ઝોલાં ખાતો હોય છે. આવી મિશ્રતાવાળી સ્થિતિ તે ત્રીજું ગુણસ્થાન છે. ત્રીજા ગુણસ્થાને જીવ વધુમાં વધુ અંતમુહૂર્ત કાળ રહે છે, તે પછીથી તે કાં ચોથા ગુણસ્થાને જાય અથવા તો પહેલા ગુણસ્થાને આવી જાય છે.
૩૭૯