________________
કેવળી પ્રભુનો સાથ
છદ્મસ્થ અવસ્થામાં જીવને ઘાતી – અઘાતી કર્મોનો આશ્રવ સતત થતો હોવાથી, આજ્ઞાપાલનની એ વખતની મંદતા બરાબર સમજાય તેવી છે. આજ્ઞાપાલન જેમ જેમ શુધ્ધ અને વિશદ થતું જાય છે તેમ તેમ જીવનો કર્માશ્રવ તૂટતો જાય છે, અલ્પ થતો જાય છે. આ વિધાન સમજાતાં અને તે પર વિશેષ વિચાર કરતાં “આણાએ ધમ્મો, આણાએ તવો” – આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ એ સૂત્રની સાર્થક્તા અને યથાર્થતા બરાબર અનુભવાય છે.
આત્મદશાસૂચક ગુણસ્થાનથી પ્રગટ થતું જીવનું આજ્ઞાધીનપણું
એકેંદ્રિયથી શરૂ કરી સંક્ષીપંચેંદ્રિય સુધીનાં સર્વ જીવોને આવરી લઈ, મિથ્યાત્વથી લઈ જીવ પૂર્ણ શુધ્ધ થાય ત્યાં સુધીના તેના વિકાસનાં ચૌદ પગથિયાં શ્રી પ્રભુએ આપણને બતાવ્યાં છે. આ પગથિયાં તેમણે મોહનીય કર્મના ક્ષયોપશમના આધારે વર્ણવ્યા છે. ઉત્કૃષ્ટ મોહ પ્રવર્તતો હોય ત્યારે જીવના બધા જ ગુણો મહદ્ અંશે અવરાયેલા રહે છે, જેમ જેમ જીવનો મોહ ક્ષીણ થતો જાય છે તેમ તેમ તેના ગુણો વિકસતા જાય છે, તથા તે જીવનાં શાંતિ તથા શુદ્ધિ વધતાં જાય છે. આથી આ ગુણવિકાસનાં પ્રત્યેક સ્થાનને પ્રભુએ ગુણસ્થાન તરીકે જણાવ્યાં છે. ગુણસ્થાન એટલે ગુણોને રહેવાનું ઠેકાણું - સ્થાનક.
=
સર્વ અસંશી અને કેટલાંક સંશી પંચેંદ્રિય જીવોમાં મિથ્યાત્વનું જો૨ ખૂબ વિશેષ પ્રમાણમાં હોય છે, તેઓ બધાં જ પહેલા ગુણસ્થાને રહેલાં જીવો છે. જ્યારથી જીવનું મિથ્યાત્વનું જોર તૂટવા માંડે છે, અને તે જીવમાં સંસારથી છૂટવા માટેનું આરાધન પ્રગટવા માંડે છે ત્યારથી તે જીવની ગુણસ્થાન ચડવાની શરૂઆત થાય છે. મોહનીય કર્મનો ક્ષયોપશમ વધારતા જવાથી જીવ ગુણસ્થાનક ચડતો જાય છે. મોહનીય કર્મનો ક્ષયોપશમ આજ્ઞાનું આરાધન કરવાથી થાય છે. જેમ જેમ જીવ શ્રી પ્રભુને વિશેષ વિશેષ આજ્ઞાધીન થતો જાય છે તેમ તેમ તેનું મોહનીય કર્મ ક્ષીણ થતું જાય છે. આ અપેક્ષાથી જો આપણે સર્વ ગુણસ્થાનનો અભ્યાસ કરીએ તો સમજાય છે કે ‘આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે.’
૩૭૮