________________
કેવળી પ્રભુનો સાથ
ત્રીજા ગુણસ્થાને તેને પ્રભુની સત્યતા તથા તે માર્ગમાં રહેવાના ભાવનું આકર્ષણ વેદાય છે, ત્યાં તેનું આજ્ઞાપાલન થાય છે, અને આજ્ઞાનાં આરાઘનમાં ધર્મ છે તેના અંશનો તે સ્વીકાર કરે છે. ત્યાંથી આગળ વધતાં ચોથા ગુણસ્થાને તેને આત્માનો અનુભવ થાય છે. આવો અનુભવ પ્રભુની ઇચ્છાનુસાર, સ્વચ્છંદનો ત્યાગ કરીને વર્તવાથી થાય છે એ સમજણ આવે છે. પ્રાય: મિથ્યાત્વ દબાયેલું હોય ત્યાં સુધી તેને ચોથું ગુણસ્થાન રહે છે, અને મિથ્યાત્વનો ઉદય થયા પછી તે પહેલા ગુણસ્થાને આવી જાય છે.
આમ વારંવાર પુરુષાર્થ કરતાં કરતાં તે જીવ એક વખત મિથ્યાત્વને દબાવી સત્તાગત કરે છે, અને તે પછીથી તેને ઉદયમાં જ આવવા ન દઈ ચોથા ગુણસ્થાને ટકી જાય છે. તે વખતે તેને અનુભવાતી શૂન્યતામાં આજ્ઞાનું આરાધન વિશેષતાએ થાય છે. શૂન્યતાની બહાર આવ્યા પછી મિથ્યાત્વને તે જીવ ઉદયમાં આવવા દેતો નથી, પણ તેનામાં રહેલો સ્વચ્છંદ અમુક માત્રામાં ઉદિત થાય છે. અને તેના પ્રમાણમાં તેનું આજ્ઞાપાલન મંદ થાય છે. પરંતુ તે જેટલું વિશેષ આજ્ઞાપાલન કરી શકે તેટલો વિશેષ વિકાસ સાધી શકે છે.
આ સ્થિતિમાંથી પ્રગતિ કરી જીવ શ્રી પ્રભુને અને સદ્ગુરુને પોતાનાં મન, વચન તથા કાયાની સોંપણી કરે છે; અને ત્યારથી તેનું સાચું આજ્ઞાપાલન શરૂ થાય છે. તેનાં મન, વચન અને કાયાનું સ્વચ્છંદી વર્તન નીકળતું જાય છે, તે ત્રણે પોતાનાં પૂર્વકર્મોની નિર્જરા અર્થે પ્રવર્તન કરતાં થાય છે. તેને લીધે તે જીવ ધારે ત્યારે પોતાનાં સ્વરૂપમાં લીન થવાની શક્તિ મેળવે છે. અને એ જ આરાધનથી તે પોતાનો સ્વછંદ ત્યાગી તપસ્વી બની જાય છે. એટલે કે તે તપનું આરાધન કરી પૂર્વકર્મની બળવાન નિર્જરા શરૂ કરે છે. આ કાળથી, અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાનથી તેને સંસારમાર્ગ અને પરમાર્થમાર્ગ વચ્ચેનો ભેદ સ્પષ્ટપણે સમજાતો જાય છે, અનુભવાતો જાય છે.
સંસારી જીવને કોઈ પાસેથી જ્ઞાન કે પદાર્થની પ્રાપ્તિ કરવી હોય તો તે જીવમાં સ્વાર્થ અને કષાય રહેલા જોવામાં આવે છે, તેની વાણી ભેદવાળી હોય છે એટલે
૩૮૦