________________
આણાએ ધમ્મો, આણાએ તવો
શ્રી અરિહંત પ્રભુ સિદ્ધ થાય છે ત્યારે તે જીવોનો સાતમો પ્રદેશ નિરાવરણ થાય છે, અને સર્વ અઘાતીકર્મો પણ તે પ્રદેશ પરથી નીકળી જાય છે. એ સાતે પ્રદેશ સિદ્ધપ્રભુના શુદ્ધ પ્રદેશ જેવા જ શુદ્ધ થઈ જાય છે. જેમના સાત પ્રદેશ નિરાવરણ થયા છે તેમાંથી એક જીવનો આઠમો પ્રદેશ પણ શુદ્ધ થાય છે, અને તે જીવ શ્રી અરિહંત પ્રભુનાં નિમિત્તથી નિત્યનોગોદમાંથી બહાર નીકળી પૃથ્વીકાય રૂપે પોતાનું સંસારનું પરિભ્રમણ શરૂ કરે છે. આ રીતે શ્રી અરિહંત પ્રભુનાં નિમિત્તથી બહાર નીકળનાર જીવના આઠે પ્રદેશ તેમનાં થકી જ ખુલ્યા હોવાથી તે જીવ નિયમપૂર્વક ભાવિમાં અરિહંતપદ મેળવીને સિદ્ધ થાય છે. અન્ય જીવોનો આઠમો પ્રદેશ સિદ્ધ થતા કેવળીપ્રભુનાં નિમિત્તથી ખુલે છે; અને તેમનાં નિમિત્તે નિત્યનિગોદમાંથી બહાર ખેંચાઈ આવી પોતાનું ભ્રમણ આરંભે છે.
શ્રી અરિહંત પ્રભુની બીજી વિશેષતા એ છે કે તેઓ ૐ ધ્વનિથી દેશના આપે છે; અને સહુ શ્રોતાઓ પોતપોતાની પાત્રતા અનુસાર પોતાની ભાષામાં બોધ ગ્રહણ કરે છે. ૐ ધ્વનિ એ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનું પ્રતિક છે. ૐૐ ધ્વનિનાં પ્રસારણથી શ્રી તીર્થંકર ભગવાન પણ કેવી રીતે આજ્ઞાપાલન કરે છે તેની સમજ આપણને મળે છે. શ્રી તીર્થંકર ભગવાન, તેમના પૂરોગામી એવા તીર્થંકર પ્રભુએ પ્રસારેલા, સિદ્ધ ભગવાને વહાવેલા અને સર્વ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વીઓએ અનુમોદિત કરેલા કલ્યાણના ભાવને ગ્રહણ કરી, તેમાં પોતાના ઘૂંટેલા કલ્યાણભાવને ઉમેરી આજ્ઞાના અતિ અદ્ભુત મહાત્મ્યને પ્રગટ કરનાર દિવ્યધ્વનિ છોડે છે. એમાં પાંચે પરમેષ્ટિ ભગવંતના કલ્યાણભાવનો સમાવેશ થતો હોવાથી એ ધ્વનિ ૐ સ્વરૂપ બને છે. સર્વ સુપાત્ર જીવો પોતપોતાની કક્ષા અનુસારનો બોધ તેમાંથી ગ્રહણ કરે છે. આ પ્રક્રિયા એ શ્રી તીર્થંકર પ્રભુનો આજ્ઞામાં રહેવાનો પ્રબળ નિશ્ચય બતાવે છે. સાથે સાથે જે જિનપ્રભુ સિધ્ધ થયા છે તેમનાં પરમાણુઓ ગ્રહણ કરી બાકીનાં ચાર અઘાતી કર્મો ક્ષીણ કરવા માટેની આજ્ઞા પણ તેઓ મેળવી લે છે. અને સંપૂર્ણ કર્મમુક્ત થતાંની સાથે જ તેઓ સંપૂર્ણ આજ્ઞાધીન થાય છે. અર્થાત્ સદાને માટે તેઓ સ્વાધીન થઈ જાય છે. અને એ વખતે તેઓ આજ્ઞામાર્ગનું શિખર સર કરે છે, આજ્ઞામાર્ગના આરાધનની ટોચે પહોંચે છે.
૩૭૫