________________
આણાએ ધમ્મો, આણાએ તવો
તેમનું આચરણ શ્રી ઉપાધ્યાયજી કરતાં ઉત્તમ અને વિશેષ પ્રકારનું હોય છે; તેમને જ્ઞાનાવરણનો ક્ષયોપશમ પણ ઉત્તમ પ્રકારે થાય છે, કેમકે તેમને કલ્યાણભાવનું જોર અને સંસારભાવનું નિસ્પૃહપણું ખૂબ રહે છે. જે આજ્ઞા આરાધનથી મળતાં ધર્મ તથા તપની મહત્તા સૂચવી જાય છે.
આચાર્યોમાં પ્રમુખ એવા ગણધરપ્રભુની કલ્યાણભાવનાની પ્રક્રિયા અન્ય આચાર્યો કરતાં થોડી વિશિષ્ટ પ્રકારની હોય છે. તેમને શ્રી તીર્થકર ભગવાનના આત્મા સાથે લગભગ છેલ્લા ૧૫૦ ભવનો શુભ સંબંધ બંધાયેલો રહે છે. તેથી શ્રી તીર્થકર ભગવાનની સાથે સાથે ગણધર પ્રભુનો જીવ પણ કલ્યાણના ભાવ ઘુંટતો રહેતો હોય છે. અને એ ભાવનું ફલક જગતનાં સમસ્ત જીવો સુધી વિસ્તરીત થયું હોય છે. આ ભાવની સહાયતાથી તેઓ મુખ્યત્વે શ્રી તીર્થંકર પ્રભુએ તરતાં મૂકેલા પરમાણુઓ ગ્રહણ કરે છે, અને એ દ્વારા શ્રી પ્રભુ પ્રતિનું પોતાનું આજ્ઞાધીનપણું તેઓ ઘણું ઘણું બળવાન કરતા જાય છે.
એક અપેક્ષાએ વિચારીએ તો જણાય છે કે શ્રી અરિહંત તથા ગણધર, બંને જીવ સમસ્તના કલ્યાણભાવમાં રાચે છે, તો તેમના એ ભાવમાં એવો તે ક્યો તફાવત હોય છે કે જેને લીધે એકનું કલ્યાણકાર્ય સર્વજ્ઞ થયા પછી શરૂ થાય છે અને બીજાનું કલ્યાણકાર્ય સર્વજ્ઞપણું પ્રગટતાં લગભગ પૂર્ણ થઈ જાય છે. સૂક્ષ્મતામાં જવાથી સમજાય છે કે તેઓ બંને વચ્ચે રહેલો તફાવત તેમણે સેવેલા પૂર્વકાળના ભાવોની રીતમાં સમાયેલો છે. શ્રી તીર્થંકરપ્રભુ જીવ સમસ્ત માટે કલ્યાણભાવ વેદે છે, પણ એ ભાવમાં કલ્યાણના કર્તા થવાનો ભાવ હોતો નથી. કોઈ પણ જીવ કલ્યાણ કરે, પણ જગતનું કલ્યાણ થાય એ ભાવ તીર્થંકર પ્રભુએ ઘંટયો હોય છે. ત્યારે ગણધરજીના જીવ સમસ્તના ચૂંટાયેલા કલ્યાણના ભાવમાં અવ્યક્તપણે પણ કર્તાપણાનો ભાવ ગૂંથાયેલો હોય છે. મારા થકી, મારા નિમિત્તથી જગતનું કલ્યાણ થાઓ એવા કર્તાપણાના ભાવ પ્રછન્નતાથી તેમાં રહેલા હોય છે. આ ઉપરાંત શ્રી તીર્થંકર પ્રભુનો આ ભાવ સ્વાયત્ત છે, સહજતાએ તેમનામાં ઊગેલો હોય છે, ત્યારે શ્રી ગણધરપ્રભુનો આ ભાવ તીર્થકર પ્રભુની પ્રેરણાથી નીપજેલો હોય છે.
૩૬૫.