________________
કેવળી પ્રભુનો સાથ
ઘાતી કર્મોના ક્ષયની અપેક્ષાએ આ બંને ઈષ્ટ પ્રભુ સમાન છે – તેમના આદર્શને અનુસરી ચાલનાર તે પછીના ઈષ્ટ આત્મા છે શ્રી ગણધર પ્રમુખ આચાર્યજી. શ્રી અરિહંતપ્રભુ તથા સિધ્ધપ્રભુને પૂર્ણતા પ્રાપ્ત થઈ ગઈ હોવાથી, તેમણે ભૂતકાળમાં કરેલું આત્માર્થનું આરાધન જીવાત્માને વર્તમાનમાં પ્રત્યક્ષપણે જોવા મળતું નથી; અને પ્રત્યક્ષપણા વિના જીવાત્માને મોક્ષમાર્ગ આરાધવાનો જરૂરી ઉત્સાહ આવતો નથી. આવું પ્રત્યક્ષ આરાધન સાધકને ગણધરજી અને આચાર્યજી પાસેથી જોવા મળે છે. મોક્ષ મેળવવા માટે જે ઉત્તમ આચાર સંહિતા શ્રી સર્વજ્ઞ ભગવાને જણાવી છે તેનું યથાયોગ્યતાએ પાલન તેઓ કરતા રહે છે. આચાર્યોમાં સર્વશ્રેષ્ઠ છે શ્રી ગણધર પ્રભુ. તેઓ શ્રી પ્રભુનો બોધ અવધારી, પાલન કરી, અન્ય મુનિ તથા મુમુક્ષુઓને સાથ આપી મોક્ષમાર્ગમાં આગળ વધારે છે. તેઓ સર્વ ભવ્ય જીવો સમક્ષ માર્ગનો ફેલાવો અવિરતપણે કરતા રહે છે. આમ તેઓ શ્રી સર્વજ્ઞપ્રભુ અને મુનિસમુદાયને જોડનાર વચલી કડી બને છે, અને તે પણ ઊંચા પ્રકારની. છદ્મસ્થ સાધકોમાં સર્વોત્તમ કલ્યાણ સાધનાર અને સધાવનાર જો કોઈ છે તો તે છે શ્રી ગણધરપ્રભુ.
શ્રી ગણધર પ્રમુખ આચાર્યજી છદ્મસ્થ અવસ્થાના ૩૬ ગુણધારી ધર્મનાયક ગણાય છે. તેઓ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, કષાય જય આદિના પાળનાર તથા આચરનાર છે, સાથે સાથે પોતાના આત્મામાં સહુ જીવો માટેનો કલ્યાણભાવ ઘૂંટી, પોતે ગ્રહણ કરેલાં કલ્યાણનાં પરમાણુઓનો ઉપયોગ કર્યા પછી, તેમાં જ પોતાનાં કલ્યાણભાવનાં પરમાણુઓને ઉમેરી જગતજીવોને ઉદાર દિલથી ભેટ આપનાર પણ બને છે. આવા આદર્શ ચારિત્રનાં પાળનાર આચાર્યજી પ્રત્યક્ષ કલ્યાણ કરનાર ઉપકારક આત્મા તરીકે ચીરસ્મરણીય સ્થાને મહામંત્રમાં રહે તે સહજ જ છે.
શ્રી આચાર્યજીએ આરંભેલા સ્વાર કલ્યાણના ભાવને સતત સહાયરૂપ થઈ, શુદ્ધિના માર્ગમાં પાળનાર શ્રી ઉપાધ્યાયજીનું સ્થાન તેમના પછી તરત જ આવે છે. શ્રી અરિહંત પ્રભુના બોધને અવધારી, આચાર્યજી તે બોધને ગ્રંથસ્થ કરે છે કે કરાવે છે, અને ભવ્ય જીવોને તેનો ઉપદેશ ગુરુ આજ્ઞાએ કરે છે. આવા ગ્રંથો તથા ઉપદેશનો યથાર્થ અભ્યાસ કરી, તેમાં પ્રણીતેલાં રહસ્યોને આત્મસાત્ કરી, અન્ય ઉત્સુક જીવોને
૩૫૪