________________
આણાએ ધમ્મો, આણાએ તવો
નમસ્કાર મહામંત્રમાં સૌ પ્રથમ શ્રી અરિહંત પ્રભુ – શ્રી તીર્થકર ભગવાનને વંદન કર્યા છે. જેમણે પોતાના સર્વ શત્રુઓને હણીને મિત્રરૂપ બનાવી દીધા છે તે અરિહંત ભગવાને જગતનાં સર્વ જીવોને શાસનરસિ કરવાનો અભિલાષ સેવ્યો છે, ચાર ઘાતી કર્મોનો ક્ષય કર્યો છે, બાકીનાં ચાર અઘાતી કર્મોનો પૂર્ણ ક્ષય કરવા માટેનું સામર્થ્ય મેળવી લીધું છે, તેમણે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, તેમના સમક્ષ જગતજીવોના કલ્યાણ અર્થે મોક્ષનો મહામાર્ગ ખુલ્લો કર્યો છે, પોતે તે માર્ગને યથાર્થતાએ અનુભવી, તીર્થની સ્થાપના કરવાનું મહાકાર્ય કરી તીર્થકર પદે બિરાજી, તીર્થના સ્થાપક તરીકે ખ્યાતિ મેળવી, માનવો, દેવો, દાનવો વગેરે સર્વ જીવાત્માઓને પૂજનીય બન્યા છે, અનેક જીવોનું અનેકવિધ કલ્યાણ કરનાર થયા છે એવા નિષ્કારણ કરુણાના કરનાર શ્રી પ્રભુના ઉપકારને સ્મરી સૌ પ્રથમ તેમને નમસ્કાર કર્યા છે.
આ મહામંત્રના બીજા ચરણમાં શ્રી સિદ્ધ ભગવાનને વંદન કરવામાં આવ્યા છે. ચાર ઘાતી કર્મોનો ક્ષય થવાથી આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યરૂપ અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. આ સર્વજ્ઞપણા સાથે આત્મા પૂર્ણ વીતરાગ થાય છે. તે પછી અનુકૂળ કાળે ચારે અઘાતી કર્મોનો ક્ષય કરી, આત્મા અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુપણું અને અવ્યાબાધ સુખના અનુભવ સાથે સિદ્ધભૂમિમાં સ્થિર થાય છે. એ વખતે તે આત્માએ જે કંઈ મેળવવા યોગ્ય છે તે મેળવી લીધું હોવાથી, કંઈ પણ નવું મેળવવાનું બાકી નહિ રહેતું હોવાથી કૃતકૃત્ય બની તે આત્મા જગતનાં સંચાલનની પ્રવૃત્તિમાંથી પૂર્ણતાએ અલિપ્ત થઈ, નિજાનંદ અને સહજાનંદમાં એકાકાર થઈ જાય છે. શ્રી અરિહંત પ્રભુએ પ્રકાશિત કરેલા માર્ગનું આરાધન કરવાથી જીવ કઈ સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેની જાણકારી તથા આદર્શ શ્રી સિધ્ધ ભગવાન થકી પ્રાપ્ત થાય છે. સંસારથી છૂટી જીવે શું પ્રાપ્ત કરવાનું છે તેનું ધ્યેય શ્રી સિધ્ધ ભગવાન પૂરું પાડે છે. પરંતુ જગતનાં જીવોને માટે શ્રી સિધ્ધ ભગવાન કરતાં શ્રી અરિહંત ભગવાન વિશેષ ઉપકારક હોવાથી આ મહામંત્રમાં પહેલો નમસ્કાર શ્રી અરિહંત પ્રભુને કર્યો છે; અને બીજો નમસ્કાર શ્રી સિધ્ધ ભગવંતને કર્યો છે.
૩૫૩