________________
કેવળી પ્રભુનો સાથ
બને છે. આવો જીવ પોતાના પુરુષાર્થ અનુસાર શ્રી તીર્થકર કે ગણધરની પદવી સિવાયની કોઈ પણ પદવીનો ધારક બની શકે છે. પ્રભુ પાસેથી મેળવેલા બળનો આ અતિશય છે.
આમ અતીર્થકર સિદ્ધાના નિમિત્તથી નીકળનાર જીવનું સંસારનું ભ્રમણ પ્રમાણમાં ઓછું હોય છે; તથા તેને સારી ગતિ તથા વિકાસ જલદીથી મળે છે, કેમકે તેને બે સિદ્ધ થતા આત્માનું બળ મળે છે. જે જીવ અતીર્થકર સિદ્ધાના પ્રકારમાં આવે છે તે જીવ ઇતર નિગોદમાં આવ્યા પછી પહેલા રુચક પ્રદેશની આસપાસના પ્રદેશો શુભ કર્યા પછી ૐની આકૃતિ બનાવે છે. આમ થવાથી ૐની આકૃતિ પૂરી થતાં વધારે કાળ જાય છે, તેથી પરિભ્રમણ લાંબુ થવાની પણ સંભવિતતા રહે છે. પણ તેના વિશેષ પ્રદેશો શુભ થયા હોવાથી તેને શુભ ગતિની સંખ્યા સામાન્ય જીવો કરતાં વધારે હોય છે, અને માઠી ગતિની સંખ્યા ઓછી હોય છે. અર્થાત્ તેને પરિભ્રમણ દરમ્યાન શાતા વેદનીયના ઉદયો પ્રમાણમાં વધારે મળે છે. આ કારણથી તે પોતાના વિકાસમાં સામાન્ય આત્માથી નીકળ્યો હોવા છતાં તીર્થપતિનું નિમિત્ત મેળવી આગળ વધી જાય છે.
ટૂંકમાં કહીએ તો અતીર્થકર સિદ્ધા આત્માનાં પરિભ્રમણમાં દારુણતા ઓછી હોય છે. તેનાથી નિત્યનિગોદમાંથી બહાર નીકળતા જીવને અલ્પ પરિભ્રમણ અને કોઈને કોઈ પદવી મળે છે. વળી, તેનો ઘન કોઈક પદવીધારીની નજીકમાં પડે છે.
૩. તીર્થસિદ્ધા જે પવિત્ર આત્મા તીર્થંકર પ્રભુનાં સાનિધ્યમાં તેમની વિદ્યમાનતાએ સિદ્ધ થાય છે તે આત્મા તીર્થસિદ્ધાના પ્રકારમાં સમાય છે. જે જીવ તીર્થંકરપ્રભુની વિદ્યમાનતાએ તેમના યોગમાં અંતરૂવૃત્તિ સ્પર્શાવે, વ્યવહાર સમકિત લે, આગળ વધે, પ્રભુના શરણમાં રહી દેવગતિમાંથી પરમાર્થ સમકિત લે અને આગળ વધી તેમની હાજરીમાં જ સિદ્ધ થાય તે તીર્થસિદ્ધા કહેવાય. તેના આત્મિક વિકાસમાં કોઇ ને કોઇ તીર્થપતિનો ફાળો મળે. તેઓ દેવગતિમાંથી સમકિત લે છે તેથી તેને શ્રી પ્રભુ માટે એવો અહોભાવ આવે છે કે તેને શાસનનો જયજયકાર કરવાના ભાવ બહુ જ ઉલસે છે, અને પ્રભુનાં નામથી તે દેવગતિમાંથી અનેક પરચા પૂરા પાડે છે.
૧૨