________________
કેવળી પ્રભુનો સાથ
પેટાળમાંથી છૂટવાના ભાવ થતા નથી, ત્યાં સુધી ગમે તેવા બાહ્ય સાનુકૂળ સંજોગો મળ્યા હોય, તેમ છતાં તે સંજોગો તેને પરિભ્રમણથી છોડાવવા શક્તિમાન થઈ શકતા નથી. જે વસ્તુ મેળવવાની જીવને ઇચ્છા જ ન હોય તે વસ્તુની તેને પ્રાપ્તિ થાય તોપણ તેનો લાભ કે ફાયદો તે લઈ શકતો નથી. અપાત્રે મળેલી વસ્તુ નિરુપયોગી બની જાય છે. આમ અંગત પાત્રતા આવવી કે યોગ્ય ઉપાદાનની તૈયારી થવી એ જીવને માટે પ્રાથમિક તેમજ મૂળભૂત જરૂરિયાત છે. આમ છૂટવા માટેના ભાવ બળવાનપણે કરતા રહેવું તે મુક્તિ સાધવા માટેનું પહેલું પગથિયું છે.
એક વખત આવી પાત્રતા કેળવાયા પછી, ક્યા ભાવ, કયી પ્રવૃત્તિ, કેવું વર્તન કરવાથી જીવથી છૂટી શકાય તે માટે યથાર્થ માર્ગદર્શન આપી શકે એવા માર્ગદર્શક ગુરુની જરૂરિયાત ઊભી થાય છે. તે માટે કૃપાળુદેવે લખ્યું છે કે, “માર્ગને પામેલો માર્ગ પમાડશે”. અર્થાત્ મુક્ત કેમ થવાય તે માટેની યથાર્થ જાણકારી જેને આવી છે તે જ અન્ય જીવને માર્ગદર્શન આપવા સમર્થ થઈ શકે છે. માર્ગદર્શક પુરુષને જો પોતાને જ માર્ગની જાણકારી ન હોય તો અન્યને જાણકારી આપવામાં તે સફળ થઈ શકતો નથી. કદાચિત્ તેની જાણકારી અપૂર્ણ હોય તો પણ તે ઇચ્છુકને સંતોષ થાય તેવું માર્ગદર્શન આપી શકતો નથી, કેમકે તેના મનમાં માર્ગસંબંધી અમુક વિકલ્પો પ્રવર્તતા જ રહે છે. તેથી સ્પષ્ટ થાય છે કે માર્ગદર્શક પાસે માગસંબંધી પૂરી જાણકારી હોવી જરૂરી છે. તે માટે તેમની પાસે યથાર્થ સમજણ, પાત્રતા અને અનુભવ હોવાં અત્યંત જરૂરી છે. આટલેથી કામ પૂરું થતું નથી. તે જીવ ઇચ્છુકને યથાર્થપણે માર્ગ સમજાવી શકે, યોગ્યતાથી તેના પ્રશ્નોનું સમાધાન આપી શકે, તેની મુશ્કેલીઓનો ઉકેલ આપી શકે તેવો ભાષાવૈભવ અને સમર્થતા ધરાવતો હોવો જરૂરી છે. તે વિના માર્ગદર્શક જિજ્ઞાસુને સંતોષ આપી શકતો નથી, સાચી કાર્યસિદ્ધિ કરવા ઉત્સાહિત કરી શકતો નથી, જેને લીધે જીવનું કલ્યાણ થવામાં અનેક વિદ્ગો તથા અંતરાયની પરંપરા સર્જાઈ શકે છે. આથી માર્ગદર્શક તેમજ અનુયાયી એ બંનેની પાત્રતાનો સુમેળ થાય ત્યારથી જ કલ્યાણકાર્યની સાચી શરૂઆત થઈ શકે છે. બીજી રીતે કહીએ તો ત્યારથી જ માર્ગના સાચા આરાધનનો પ્રારંભ થાય છે.
૩૨૬