________________
આણાએ ધમ્મો, આણાએ તવો
આ અને એવાં જ્ઞાનીપુરુષોનાં વચનો સૂચવે છે કે જેણે નિજ કલ્યાણ કરવું છે તે તેના નિષ્ણાત એવા જ્ઞાની ભગવંતના માર્ગદર્શન અનુસાર ભાવ તથા વર્તન કરે તો ત્વરાથી તેનું કલ્યાણ થાય છે. તેમાં આવતાં વિઘ્નો વિશે તેમણે લખ્યું છે કે, “જીવને બે મોટાં બંધન છે, એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ. સ્વછંદ ટાળવાની ઇચ્છા જેની છે તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સર્વ સંગથી ત્યાગી થવું જોઈએ”. (મહાસુદ ૭, ૧૯૪૭. આંક ૧૯૬). - આ બધાં વચનો પર વિચાર કરવાથી જીવને જરૂર જિજ્ઞાસા થાય છે કે, “આજ્ઞા” એટલે શું? આજ્ઞા મેળવવાની અને પાળવાની શરૂઆત જીવ ક્યારથી કરી શકે? તેની પૂર્ણતા ક્યારે થાય? જીવ આજ્ઞા આપવાને પાત્ર ક્યારે થઈ શક્યો ગણાય? પ્રત્યેક જુદી જુદી અવસ્થાએ તેમાં કયા કયા ફેરફાર થાય છે? તે શા માટે ઉપકારી કે અનુપકારી છે? જીવ જેમ જેમ ગુણસ્થાન ચડતો જાય તેમ તેમ તેના આજ્ઞા મેળવવામાં તેમજ પાળવામાં કેવા ફેરફાર થતા જાય છે? એટલે કે ગુણસ્થાન અને આજ્ઞાપાલન વચ્ચે શું અને કેવા સંબંધ છે? પંચપરમેષ્ટિ ભગવંત આજ્ઞાનું પાલન કરે છે? કરે તો કયા પ્રકારે ? વગેરે પ્રશ્નો જીવને જિજ્ઞાસાને કારણે ઉદ્ભવતા જોવામાં આવે છે.
અહીં ઉભવેલા સવાલના જવાબ જાણવા માટે, તે પર વિચાર કરવા માટે, કૃપાળુદેવે શ્રી સૌભાગભાઈને લખેલા એક પત્રનાં વચનો આપણને સહાયકારી થાય તેમ છે. તેમણે સૌભાગભાઈને લખ્યું હતું કે, “મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો”. (કાર્તક સુદ ૬, ૧૯૪૭. આંક ૧૬૬).
અનુભવથી લખાયેલાં આ વચનોથી આપણને સમજાય છે કે જો આપણે છૂટવાનો માર્ગ મેળવવો હોય તો આપણે બાહ્યદૃષ્ટિ – સંસારની લૌકિક દૃષ્ટિ ત્યાગી, લોકસંજ્ઞાને તોડી, આંતરદૃષ્ટિ કેળવી આત્મામાં ખોજ કરવી જરૂરી છે. એટલે કે જીવને સંસારથી છૂટવાના ભાવ અંતરના ઊંડાણમાંથી જાગવા ખૂબ જરૂરી છે. જ્યાં સુધી જીવને હૃદયનાં
૩૨૫