________________
કેવળી પ્રભુનો સાથ
“જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં જીવ અનાદિ કાળથી રખડયો.” (મહા સુદ, ૧૯૪૭. આંક ૨૦૦)
“આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છીપાવવા ઇચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે; સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહિ એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પુરુષનાં ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.” (ફાગણ સુદ ૪, ૧૯૪૭. આંક ૨૧૩)
“સદ્ગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોશ્વાસ સિવાય બીજું ન ચાલે એવી જિનની આજ્ઞા છે.” (શ્રાવણ વદ ૬, ૧૯૫૨. ઉપદેશછાયા)
“ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રોથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય.” (શ્રાવણ સુદ ૩, ૧૯૫૫. આંક ૮૮૫)
“ક્ષીણમોહ પર્યંત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે.” (ભાદ્રપદ સુદ ૫, ૧૯૫૫. આંક ૮૮૮)
“જ્ઞાનીને ઓળખો; ઓળખીને એઓની આજ્ઞા આરાધો. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે.” (કાર્તિક વદ ૧૧, ૧૯૫૬. ઉપદેશનોંધ)
“બારમા ગુણસ્થાન સુધી જ્ઞાનીનો આશ્રય લેવાનો છે; જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનું છે.” (અષાડ સુદ ૭, ૧૯૫૬. વ્યાખ્યાનસા૨ ૨)
૩૨૪